/connect-gujarat/media/post_banners/73d188edd684dbe96529cef36b2dab7bb0268cfecb7c85efe56fa0cd5f723ec3.webp)
ચૂંટણીમાં જે તે ઉમેદવારને જ મત મળે તે માટે કોઈપણ પાર્ટી કે, પછી અપક્ષ ઉમેદવાર માટે નિશાન ખૂબ જ મહત્વનું છે. મતદારોમાં કમળ, પંજો, ઝાડુ, હાથી વગેરે નિશાન જાણીતા છે. પરંતુ હવે અપક્ષ ઉમેદવારી ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થતા તેમને અલગ અલગ ચૂંટણી ચિન્હની ફાળવણી થઇ છે.
અમદાવાદમાં કુલ 49 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉમેદવારોને જે નિશાનની ફાળવણી થઇ છે. તેમાં શિપ, ફોન ચાર્જર, બિસ્કિટ, બાયનોક્યુલર, ગેસ સ્ટવ, બ્લેક બોર્ડ જેવા નિશાનનો સમાવેશ થાય છે. આ નિશાન સાથે જે તે અપક્ષ ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર, અપક્ષ ઉમેદવારો પોતાની રીતે ચૂંટણી સિમ્બોલ મેળવવા અરજી કરે છે. સ્થાનિક ચૂંટણી પંચ નીતિ-નિયમોને ધ્યાને રાખીને સિમ્બોલ ફાળવે છે. અપક્ષ ઉમેદવાર મોટાભાગે લોકોને સ્પર્શતા મુદ્દાના સિમ્બોલ મેળવવાનો આગ્રહ રાખે છે. સૌથી વધુ 16 અપક્ષ ઉમેદવાર અમદાવાદના બાપુનગરમાં છે. ઉપરોક્ત ચૂંટણી સિમ્બોલમાંથી મોટાભાગના સિમ્બોલ બાપુનગરના ઉમેદવારોને ફાળવવામાં આવ્યા છે. એલિસ બ્રિજના સિતાર અને ઠક્કરબાપાનગરમાં સિટી, માઇક, કાચનો પ્યાલો અને ટ્યુબલાઇટ જેવા ચૂંટણી સિમ્બોલ અપક્ષ ઉમેદવારને ફાળવાયા છે. અસારવામાં ચેઇન, ડાયમંડ, દસ્ક્રોઇનો ચેસ બોર્ડ, રોડ રોલર, નારિયેળીનું ખેતર જેવા સિમ્બોલ ફાળવાયા છે. જમાલપુર-ખાડિયા બેઠકમાં અપક્ષ ઉમેદવારોને કેમેરા, ટાયર્સ, અનાનસ અને કાતર જેવા સિમ્બોલ, અમરાઇવાડીમાં રબર સ્ટેમ્પ, ઘડો, બેટરી ટોર્ચ, પ્રેશર કૂકર, ડીઝલ પંપ, લુડો જેવા સિમ્બોલ, મણિનગરમાં કેલ્ક્યુલેટર, સાબરમતીમાં કીટલી, સ્ટેથોસ્કોપ, ખાટલો, શેરડી, માથે ડાંગર સાથે સ્ત્રી જેવા સિમ્બોલ, વિરમગામમાં સોફા, જહાજ, તડબૂચ, બેટ, સાણંદમાં સીસીટીવી કેમેરા, ડોલ, ટ્રક, વટવામાં વાંસળી, હોકી-દડો, પેટી, હેલિકોપ્ટર જેવા સિમ્બોલ ફાળવવામાં આવ્યા છે.