વડોદરા : આવશ્યક ચીજ વસ્તુ માટે વાહન અને વ્યક્તિ પાસ આપવા માટે શહેર અને જિલ્લામાં 14 અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા

Update: 2020-03-26 10:49 GMT

મહાનગર પાલિકા વિસ્તાર માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર ને અધિકાર: જિલ્લામાં પ્રાંત અધિકારીઓના સંકલન હેઠળ તાલુકા મામલતદારો પાસ આપશે…

રાજ્ય સરકારની સૂચનાના અનુસંધાને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના આદેશ અંતર્ગત કલેકટર કચેરી દ્વારા આવશ્યક ચીજ વસ્તુનો પુરવઠો જાળવી રાખવા અને પરિવહનની સરળતા માટે વ્યક્તિ અને વાહનના પાસ આપવા માટે શહેર અને જિલ્લાના 14 જેટલા અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. જે લોક ડાઉનના વર્તમાન સમય ગાળા દરમિયાન આ કામગીરી કરશે. ઉલ્લેખનીય છે કે મુખ્ય મંત્રીના દિશા નિર્દેશો પ્રમાણે રાજ્યના મુખ્ય સચિવએ આ પ્રકારની વ્યવસ્થા કરવા ગઇકાલે વિડિયો કોનફરન્સ થી માર્ગદર્શન આપ્યું હતું.

તેના અનુસંધાને વડોદરા મહાનગર પાલિકા હેઠળના શહેરી વિસ્તારમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ધવલ પંડ્યાની સૂચના પ્રમાણે કોર્પોરેસનના અધિકારી શમિક જોષી આ કામગીરી કરશે.

જ્યારે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 5 પ્રાંત અધિકારીઓના સંકલન હેઠળ વડોદરા(ગ્રા), પાદરા, કરજણ, શિનોર, ડેસર,સાવલી,ડભોઇ અને વાઘોડિયાના મામલતદારોની સૂચના પ્રમાણે તેમની કચેરીના નાયબ મામલતદારો આ કામગીરી કરશે.નિર્ધારિત નમૂના ના ફોર્મમાં તેના માટે અરજી આપવાની રહેશે જે સંબંધિત કચેરીઓ ખાતે જોવા મળશે.

Similar News