અમદાવાદ:સીટીએમ ડબલ ડેકર બ્રિજ બન્યો સુસાઇડ પોઇન્ટ, એક મહિનામાં ચોથી ઘટના

CTM બ્રિજ પરથી વધુ એક મહિલાએ ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઓવરબ્રિજ પરથી પડતું મૂકવાની ઘટના વધી રહી છે

Update: 2023-03-03 11:03 GMT

શહેરમાં ફરી એક વખત ઓવરબ્રિજ પરથી મોતની છલાંગ લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શહેરના CTM બ્રિજ પરથી વધુ એક મહિલાએ ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઓવરબ્રિજ પરથી પડતું મૂકવાની ઘટના વધી રહી છે, ત્યારે ડબલ ડેકર બ્રિજ પરથી આધેડ મહિલાએ ઝંપલાવ્યું છે. છેલ્લા એક મહિનામાં બ્રિજથી ઝંપલાવવાની ચોથી ઘટના બની છે. અજાણી મહિલાએ મોતની છલાંગ લગાવતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને મહિલાને મહિલાને 108ની મદદથી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા ત્યાં તેમનું મોત નીપજ્યું છે.

લગભગ પંદરેક દિવસ અગાઉ અમદાવાદમાં સીટીએમ બ્રિજ પરથી 12 વર્ષનાં બાળકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આસપાસના લોકોએ તેને બચાવી લીધો હતો. સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને બાળકને સમજાવ્યો હતો. આ બાળક કેમ આપઘાત કરવા માંગતો હતો તેનું કારણ સામે આવ્યું નથી. આપને જણાવીએ કે, થોડા દિવસ પહેલા પણ એક યુવતીએ આ જ બ્રિજ પરથી પડતું મૂક્યું હતું.

થોડા દિવસ પહેલા બપોરના સમયે 108 એમ્બ્યુલન્સને જાણ થઈ હતી કે, કોઈ યુવતીએ સીટીએમ ઓવરબ્રિજ પરથી નીચે કૂદકો માર્યો છે અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેથી 108ની ટીમ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી હતી. ત્યારે યુવતીના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ખૂબ જ લોહી વહી રહ્યું હતું. જ્યારે એના બંને પગે ખૂબ ગંભીર ઇજા થતાં તેને સ્ટ્રેચરમાં મૂકવામાં આવી હતી. જોકે, તેની સ્થિતિ નાજુક લાગતા તેની તાત્કાલિક સારવાર કરી એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરતું સારવાર દરમ્યાન મહિલાનું મોત નીપજ્યું છે. ત્યારે હાલમાં સ્થાનિક પોલીસ વધુ તપાસ શરૂ કરી છે. 

Tags:    

Similar News