જિલ્લામાં છે એક એવું ગામ કે જયાં શાળા સિવાય એક પણ પાકુ મકાન નથી

Update: 2021-03-20 09:56 GMT

રાજય સરકાર ભલે વિકાસના દાવા કરતી હોય પણ અમે તમને બતાવવા જઇ રહયાં છે એક એવું ગામ કે જયાં શાળા સિવાય એક પણ પાકુ મકાન નથી અને 100 જેટલા પરિવારો સુવિધાઓના અભાવે હાડમારીભર્યુ જીવન જીવી રહયાં છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ધારી તાલુકાનું રાજગરીયા નેસ. આ ગામમાં સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહયો છે. સરકારના વિકાસના દાવાઓની ગામમાં હવા નીકળી જાય છે. સરકારે ઘરે ઘરે શૌચાલય બનાવવાની વાતો કરતી હોય પણ આ ગામમાં સુલભ શૌચાલય પણ બનાવાયાં નથી. ગામમાં 100 જેટલા ઘરો આવેલાં હોવા છતાં રસ્તો નથી અને રસ્તો નથી એટલે લોકોને એસટી બસની સુવિધાનો લાભ મળતો નથી. લોકો પાસે મોબાઇલ છે પણ નેટવર્ક નથી. આવી તો કઇ કેટલી સુવિધાઓ છે જે હજી સુધી લોકોને મળી નથી.

દેશના ભવિષ્ય સમાન બાળકો પાંચ કિલોમીટર સુધી ચાલીને શાળાએ જાય છે પણ શાળાએ જતો રસ્તો જંગલમાંથી પસાર થતો હોવાથી જંગલી જાનવરોનો ખતરો સતત મંડરાતો રહે છે. નર્મદાના નીર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચ્યાં છે પણ રાજગરીયા નેસ સુધી નહિ. આજે પણ પીવાના પાણી માટે ગામલોકો કુવા પર નિર્ભર છે. લોકોના જણાવ્યા મુજબ આ ગામ જંગલ પાસે આવેલું હોવાથી વનવિભાગના જટિલ કાયદા અહીં વિકાસમાં રાડા નાખી રહ્યા છે.

વનવિભાગ આ ગામ રેવન્યુ હોવાનું જણાવે છે અને રેવન્યુ વિસ્તાર આ ગામ જંગલનું હોવાનું જણાવે છે સરકારના બે ખાતા સામે સામા આવી સતત ખો આપી રહ્યા છે જેથી ગામમાં વિકાસના નામે સાવ મીંડુ છે.

ગ્રામજનો કાચા માટીના મકાનમાં રહે છે અને કાચા મકાનો હોવાથી વરસાદમાં સતત પાણી ટપકે છે અને કીચડથી આખી બજારો ઉભરાઈ જાય છે. ફોર વ્હીલ વાહન નહી હોવાથી લોકોને પગપાળા જ ગામની બહાર જવું પડે છે. રાજગરીયા નેસમાં 5 ગામડાઓની ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે પરંતુ ગ્રામ પંચાયતની કચેરી જ નથી.

ગામમાં સરપંચ છે તલાટી મંત્રી છે પરંતુ કોઈ કચેરી જ નથી. ગ્રામ પંચાયતને લગતાં દસ્તાવેજો અને દાખલાઓ મેળવવા માટે છેક ધારી સુધીનો ધક્કો થાય છે. રાજગરીયા નેસથી ધારીનું અંતર 40 કીમી જેટલું છે. વિકાસશીલ ગુજરાતનો વિકાસ તેમના ગામ સુધી પણ પહોંચે તેવી માંગ ગ્રામજનો કરી રહયાં છે.

Similar News