અરવલ્લી : શામળાજી ખાતે ભક્તોએ કર્યા શામળિયાના દર્શન, જાણો આરતી-જન્મોત્સવ સમયે મંદિર કેમ બંધ રહેશે..!

Update: 2020-08-12 07:14 GMT

જન્માષ્ટમીના પાવન અવસરે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાનના દર્શન માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જોકે કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઈનનું મંદિરે આવતા ભક્તોને ફરજિયાત પાલન કરાવવામાં આવ્યું હતું.

બુધવારની વહેલી સવારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે ભગવાનની મંગળા આરતી બાદ ભક્તોને દર્શન માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે પ્રથમવાર એવું બનશે કે, ભગવાનની આરતી અને જન્મોત્સવ સમયે મંદિરના દ્વારા બંધ રાખવા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના મહામારીના કારણે જન્માષ્ટમીના દિવસે શામળિયાના દર્શન કરવા આવતા ભક્તોને સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેમાં સેનેટાઇઝર, માસ્ક તેમજ થર્મલ ગનથી સ્ક્રિનિંગ સહિત સોશિયલ ડિસ્ટન્સ સાથે જ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શામળાજી ખાતે દર વર્ષે ભગવાન શામળિયાના જન્મોત્સવ નિમિત્તે કાઢવામાં આવતી શોભાયાત્રા, મટકીફોડ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ વર્ષે રદ્દ કરવામાં આવ્યા છે. ભગવાનના જન્મ સમયે ફક્ત સેવકગણ અને મંદિરના પૂજારી સિવાય કોઈને પણ મંદિરમાં પ્રવેશ નહીં આપવા માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.

Similar News