ભરૂચ : મુનાફ પટેલ બાદ ભરૂચ જિલ્લાનો વધુ એક ખેલાડી IPL રમશે, જાણો કોણ છે આ ખેલાડી

Update: 2021-02-18 15:10 GMT

ભરૂચ જિલ્લાના વધુ એક ખેલાડીની આઇપીએલ માટે પસંદગી થઇ છે. સરનાર ગામના લુકમાન મેરીવાલાને દીલ્હી કેપીટલ્સની ટીમે 20 લાખ રૂપિયામાં ખરીદયો છે. આ અગાઉ ઇખરનો ફાસ્ટ બોલર મુનાફ પટેલ આઇપીએલ તથા ભારતીય ટીમ માટે રમી ચુકયો છે. ઇખર એકસપ્રેસ બાદ હવે સરનાર એકસપ્રેસ પોતાનું કૌવત બતાવવા સજજ છે.

વિશ્વની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટો પૈકીની એક ઇન્ડીયન પ્રિમિયર લીગમાં મુનાફ પટેલ બાદ ભરૂચ જિલ્લાના વધુ એક ખેલાડીની પસંદગી થઇ છે. ઇખરના મુનાફ પટેલની ભારતીય ટીમમાં પસંદગી થયા બાદ ભરૂચ જિલ્લાના આશાસ્પદ ક્રિકેટરોમાં નવો પ્રાણ ફુંકાયો હતો અને પ્રતિભા હોય તો ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે તેવી આશા જીવંત થઇ હતી. મુનાફ પટેલની પસંદગી બાદ ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ક્રિકેટ ટુર્નામેન્ટો યોજી પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રતિભા બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહયાં છે અને તેમાં સફળતા પણ મળી છે. અનેક ખેલાડીઓ જિલ્લા, રાજય તથા રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યાં છે. સરનાર ગામના રહેવાસી અને ડાબોડી ફાસ્ટ બોલર લુકમાન મેરીવાલાએ તાજેતરમાં મુસ્તાકઅલી ટ્રોફીમાં શાનદાર બોલિંગ કરી હતી. આઇપીએલના ખેલાડીઓ માટે યોજાયેલી હરાજીમાં લુકમાન મેરીવાલાને દીલ્હી કેપીટલ્સની ટીમે 20 લાખ રૂપિયામાં ખરીદયો છે. આ ઉપરાંત દીલ્હી કેપીટલ્સની ટીમે નડીયાદના પીપલગ ગામના ખેલાડી રિપલ પટેલની પણ પસંદગી કરવામાં આવી છે. 

Tags:    

Similar News