ભરૂચ : દશામાના પ્રતિમાઓના વિસર્જન આડે નાઇટ કરફયુનું વિધ્ન, ભકતોની વધી મુંઝવણ

Update: 2020-07-28 12:24 GMT

ભરૂચમાં બુધવારના રોજ જાગરણ સાથે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરાશે પણ નાઇટ કરફયુના કારણે ભકતો વિસર્જન માટે મુંઝવણ અનુભવી રહયાં છે.

કોરોના વાયરસની મહામારી ના પગલે નાઈટ કરફયુ અમલમાં છે જેની અસર બુધવારે થનારા દશામાની પ્રતિમાઓના વિસર્જન પર વર્તાઇ રહયું છે. રાત્રિના 10 થી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કરફયુ અમલમાં છે અને દશામાની પ્રતિમાઓનું મળસ્કે જ વિસર્જન કરવામાં આવતું હોય છે. જેના પગલે બુ઼ધવારે જાગરણ બાદ દશામાની પ્રતિમાઓનું વિસર્જન ક્યાં અને કેવી રીતે કરવું તેની મુંઝવણ ભકતો અનુભવી રહયાં છે.

બીજી તરફ ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદીરના ઘાટ ઉપર દશામાતાજીના વિસર્જન ઉપર પ્રતિબંધ ફરમાવતું બોર્ડ મારી દીધું છે. દશામાના વિસર્જનની વ્યવસ્થા અંગે પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલાનો સંપર્ક કરતાં તેમણે સરકારની ગાઇડલાઇન મુજબ કામગીરી કરાશે તેમ જણાવ્યું હતું. અંતરંગ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકા તરફથી વિવિધ સ્થળોએ ટ્રેકટરો ઉભા રાખવામાં આવશે અને ભકતો તેમાં દશામાની પ્રતિમાઓ મુકી શકશે. એકત્ર થયેલી પ્રતિમાઓનું ત્યારબાદ નગરપાલિકા દ્વારા વિસર્જન કરવામાં આવશે.

Similar News