ભરૂચ : મોદી પરિવારના ઘરે જનમ્યો દિવ્યાંગ બાળક અને પછી થયું "કલરવ"નું સર્જન

Update: 2021-03-08 09:13 GMT

આજે વિશ્વ મહિલા દિવસ અને અમે તમને જણાવીશું ભરૂચની કલરવ શાળાની સ્થાપના કેવી રીતે થઇ અને માતૃત્વની વેદનાએ કેવી રીતે દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશીના રંગ ભર્યા.

ભરૂચ શહેરની રૂગંટા સ્કુલની પાછળ આવેલી કલરવ શાળાની સ્થાપના પાછળની વિગતો એકદમ રસપ્રદ છે. કલરવ નામની જેમ જ શાળા દિવ્યાંગ બાળકોના જીવનમાં નવી ઉર્જાના સંચય કરી રહી છે. શાળાનું સંચાલન કરી રહયાં છે નીલાબેન મોદી .. નીલાબેન મોદીએ જણાવે છે કે, ઈશ્વરે અમને ઘા આપ્યો અને એ ઘા માંથી અમે સારું સર્જન કરી શકયાં.. નીલાબેનના આ શબ્દો પાછળ માતૃત્વની વેદના છુપાયેલી છે. આ વેદનાએ કલરવ શાળાનો પાયો નાંખ્યો છે.

આજથી 30 વર્ષ પહેલાં ભરૂચ શહેરમાં શારીરીક અને માનસિક વિકલાંગ બાળકો માટે શાળાનો અભાવ હતો પણ કુદરતની કરામત તો જુઓ.. નીલાબેન મોદીના ઘરે શારીરીક અને માનસિક વિકલાંગ બાળકનો જન્મ થયો હતો. મોદી પરિવારે નાસીપાસ થયાં વિના કે ભગવાનને દોષ આપ્યાં વિના બાળકને અન્ય બાળકની જેમ ઉછેર કરવાનો નિર્ણય લીધો. મોદી પરિવારે આવા બીજા બાળકોને પણ મદદરૂપ થવાના હેતુસર કલરવ સ્કુલની સ્થાપના કરી હતી. આજે કલરવ શાળા વટવૃક્ષની જેમ દિવ્યાંગ બાળકોનો છાયો બની છે.

શારીરીક અને માનસિક રીતે વિકલાંગ બાળકોને શિક્ષણની સાથે વોકેશનલ ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. શાળાના બાળકો દીવડાઓ તથા સ્ટેશનરીની અન્ય ચીજવસ્તુઓ બનાવી તેનું વેચાણ કરે છે. આમ કલરવ શાળાએ પોતાની પ્રવૃતિ શિક્ષણ પુરતી સિમિત ન રાખી તેને એક કદમ આગળ ધપાવી છે. 8 મી માર્ચના રોજ મહિલા દિવસ તરીકે ઉજવાય રહ્યો છે ત્યારે કલરવ શાળાના સર્જન થકી કેટલાય વિશિષ્ટ બાળકોને નિલાબેન મોદી જેવા માતાની મમતા, માતાનો પ્રેમ અને માતાની હુંફ મળી છે. આજે વિશ્વ મહીલા દિવસ નિમત્તે કનેકટ ગુજરાત પરિવાર નીલાબેન મોદીની પ્રવૃતિને બિરદાવી ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે…..

Tags:    

Similar News