ભરૂચ: ભૂખી ખાડીનું પાણી આ 5 ગામના લોકો માટે બન્યુ આફતરૂપ, જુઓ કનેક્ટ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

ભરૂચ તાલુકાનાં 5 ગામોમાં પૂરની પરિસ્થિતિ, ભૂખી ખાડી ઓવરફ્લો થતાં સર્જાય સમસ્યા.

Update: 2023-07-29 11:54 GMT

ભરૂચ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં ઉપરવાસમાંથી પાણીનો વધુ આવરો થતા ખાડી ઓવરફ્લો થઈ છે. ખાડીના પાણી નજીકમાં આવેલ 5 ગામોમાં ફરી વળતા જન જીવનને વ્યાપક અસાર પહોંચી છે.

હાલ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે.ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારે ભરૂચના 5 ગામોમાં જાણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ભરૂચ તાલુકાના સીતપોણ, કરગટ, સેગવા અને પરીએજ સહિતના ગામોમાં કેડ સમા પાણી ભરાયા છે. આ ગામો નજીકથી પસાર થતી ભૂખી ખાડી ઓવરફ્લો થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

સિતપોણ ગામમાં જાણે પૂર આવ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાંથી ભૂખી ખાડીમાં પાણીનો વધારે આવરો થતાં ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી અને ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા હતા. લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને વ્યાપક નુકશાન પહોંચ્યુ હતુ ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમ ગામમાં પહોચી હતી અને ગ્રામજનો સાથે વાતચીત કરી તેઓની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો

આ તરફ સેગવા ગામે અચાનક પાણી વધતા 4 ગર્ભવતી મહિલા સહિત 25થી વધુ લોકોનું ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો સિતપોણ સહિતના પાંચ ગામોમાં આ પાણીના કારણે હજારો એકર જમીનમાં ઊભા પાકને પણ વ્યાપક નુકશાન પહોંચ્યુ છે. ગ્રામજનોના આક્ષેપ અનુસાર પ્રતિવર્ષ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ તંત્ર દ્વારા આ પ્રશ્નનું કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી જેના કારણે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા.

Tags:    

Similar News