પરીક્ષાર્થીઓની લડત લાવી રંગ : બિન સચિવાલયની પરીક્ષા અંતે રદ કરાઇ

Update: 2019-12-16 14:01 GMT

  • તપાસ સમિતિના રીપોર્ટ બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત
  • સચિવ કમલ દયાનીની અધ્યક્ષ સ્થાને બનેલી કમિટીએ આપ્યો રીપોર્ટ
  • પરીક્ષામાં ગેરરીતિની સાથે પેપર લીક થયું હોવાનું તપાસમાં ખુલ્યું

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતી મામલે તપાસ કરી રહેલી સમિતિના રીપોર્ટ બાદ સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. પરીક્ષા રદ કરવાના નિર્ણયની જાહેરાત રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી છે. પરીક્ષા રદ કરવા સામે પરીક્ષાર્થીઓએ ગાંધીનગરમાં ચલાવેલું આંદોલન આખરે સફળ થયું છે.

બિન સચિવાલયની ભરતી પરીક્ષામાં ગેરરીતી મામલે પરીક્ષાર્થીઓના આંદોલન બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં તપાસ સમિતિએ આજે તેનો રીપોર્ટ સરકારને સોંપ્યો હતો અને બાદમાં પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઇ હતી. રાજયના ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે 10 જેટલા મોબાઈલ, સીસીટીવીફૂટેજ આપ્યા હતાં. જે તમામની તપાસ લેબોરેટરી દ્વારા કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને જવાબો લખતા જોવા મળ્યા હતા. FSL રિપોર્ટ આવ્યા બાદ એસઆઈટીએ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હતો. ત્યાર બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મામલે કુલ 4 ફરિયાદ નોંધાઈ છે. આરોપી ઉમેદવારો પર સરકારી પરીક્ષા આપવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ત્રણ હજારથી વધુ કેન્દ્રો પર સાત લાખ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

Tags:    

Similar News