ડાકોર : 89 દિવસ બાદ ભક્તોની આતુરતાનો અંત, મંદિરના દ્વાર ખૂલતા પ્રભુના ચરણોમાં ઝુકાવ્યું શિસ

Update: 2020-06-18 08:31 GMT

યાત્રાધામ ડાકોરના ઠાકોર રણછોડજી મંદિરના દ્વાર આજે 89 દિવસ બાદ શરતોને આધીન ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. ભક્તોના ‘જય રણછોડ માખણ ચોર’ના નાદથી ડાકોર ગુંજી ઉઠ્યું.   

લોકડાઉનથી બંધ થયેલ ધાર્મિક સ્થાનો ખોલવા અનલોક 1 માં સરકારે મજૂરી આપી હતી છતાં યાત્રાધામ ડાકોરના દ્વાર ભક્તો માટે નહોતા ખુલ્યા. આજે 89 દિવસ બાદ શરતોને આધીન મંદિર ખૂલતાં ભક્તોની આતુરતાનો અંત આવ્યો. ભક્તોએ પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લીધો હતો. ભક્તોના જય રણછોડ માખણ ચોરના નાદથી ડાકોર મંદિર અને ડાકોર ગુંજી ઉઠ્યું હતું.  આજથી 23 જૂન સુધી માત્ર ડાકોરના ભક્તો માટે જ પ્રવેશ અને દર્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે. જેમાં દર્શન માટે મંદિરની વેબસાઈટમાં ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવવું જે બાદ આપેલ સમય દરમિયાન મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવે છે.

મંદિરના દ્વાર ઉપર જ હેન્ડ સેનિટાઈઝરથી ભક્તોને હાથ સાફ કરી ફરજીયાત માસ્ક પહેરી જ દર્શન કરાવવામા આવી છે. આજે 1 હજારથી વધુ ભક્તોને દર્શનનો લાભ મળશે. આગામી 23 જૂનથી તાલુકા અને જિલ્લાના ભક્તોને રજિસ્ટ્રેશન બાદ મંદિરમાં દર્શનનો લાભ આપવામાં આવશે. ભક્તોની લાઇન માટે સોશિયલ ડિસ્ટન્સ વાળા રાઉન્ડ બનાવવામાં આવ્યા છે. જોકે લાંબા વિરામ બાદ દર્શન ખુલતા મોટાભાગના ભક્તોએ મંદિર બહારથી પણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Similar News