બજેટનો મુસદ્દો : નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગને મળી શકે છે કેટલીક છૂટ! જુઓ અમારો ખાસ અહેવાલ

Update: 2021-01-31 14:45 GMT

આવતીકાલે એટ્લે કે 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થનાર છે. આ બજેટમાંથી મોટાભાગની અપેક્ષાઓ મધ્યમ વર્ગ અને ખાસ કરીને નોકરિયાત વ્યક્તિઓને છે. કોરોના કાળ દરમિયાન, ઘણા લોકોની નોકરી છૂટી ગઈ હતી તો ઘણા લોકોના પગારમાં ઘટાડો કરાયો હતો. આવી સ્થિતિમાં સામાન્ય અને મધ્યમવર્ગનાં લોકો આ બજેટમાં સરકાર પાસેથી ઘણી અપેક્ષા રાખી રહ્યા છે. નમસ્કાર... હું મુશ્તાક રાઠોડ કનેક્ટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આવતીકાલે બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી 2021-22 નું બજેટ જાહેર કરશે, ચાલો જાણીએ આ બજેટમાં સામાન્ય માણસ માટે કઈ મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે.

આ વખતનું બજેટ ખાસ છે, કેમકે એવું પ્રથમવાર છે, જેમાં બજેટ દસ્તાવેજ પ્રિન્ટ થયા નથી. આ વખતનું બજેટ સંપૂર્ણપણે પેપરલેસ છે અને તેને ડિજિટલી જ રિલીઝ કરવામાં આવશે. સામાન્ય રીતે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા 5 મહિના અગાઉથી શરૂ થઈ જાય છે અને અનેક મહત્વની બેઠકો પછી તેને તૈયાર કરવામાં આવે છે.

કોરોના યુગ બાદ આ પ્રથમ બજેટ સત્ર હશે જ્યારે સૌની મીટ આ બજેટ સત્ર દરમિયાન થનારી મોટી જાહેરાતો પર મંડાઇ છે. કોરોના કાળ દરમિયાન એક મોટો વર્ગ આર્થિક રીતે મુશ્કેલીઓ વેઠી રહ્યો છે. કોઈએ નોકરીથી હાથ ધોવા પડ્યા છે. તો કોઈએ પગારમાં કાપ વેઠવો પડ્યો છે. નાના ધંધાર્થીઓનાં તો ધંધા પણ ચોપટ થઈ ગયા છે. દેશની આર્થિક પરિસ્થિતી પણ તળિયે આવી ગઈ હતી. જીડીપી માઇનસમાં જતી રહી હતી. અનલોક બાદથી દેશમાં ફરી રાબેતા મુજબનું જીવન થયું છે અને આર્થિક રીતે ગાડી પાટા પર આવી રહી છે. ત્યારે દેશમાં નોકરી પર નિર્ભર અને મધ્યમવર્ગનાં લોકોની નજર આવતીકાલનાં બજેટ પર હશે.. આવતીકાલે રજૂ થનાર બજેટમાં ટેક્ષ, વીમા તેમજ પેન્શનને કેટલીક જાહેરાત કરવામાં આવી શકે છે.

સરકાર વર્તમાન બજેટમાં ટેક્સમાં રાહત આપશે તેવી આશા બંધાઈ છે. ટેક્ષમાં છૂટની મર્યાદા 3 લાખ રૂપિયા હોઈ શકે છે. જુઓ આ રિપોર્ટ

2021-22ના બજેટથી સૌથી મોટી આશા એ છે કે આ વખતે સરકાર ટેક્સ છૂટની મર્યાદામાં વધારો કરી શકે છે. હાલમાં ટેક્સ છૂટની મર્યાદા 2.5 લાખ રૂપિયા છે, જેને વધારીને 3 લાખ કરી શકાય છે. આવી અપેક્ષા પણ કરવામાં આવી રહી છે કારણ કે છેલ્લા લગભગ 7 વર્ષથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જુલાઈ 2014 ના બજેટમાં તત્કાલીન નાણાં પ્રધાન અરુણ જેટલીએ આ મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ સુધીની કરી હતી.

નોકરિયાત વર્ગ માટે આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળના રોકાણ પર છૂટની મર્યાદામાં વધારો કરી કરવામાં આવી શકે છે.

વર્તમાન સમયમાં આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ, રોકાણ વેરાના આવકવેરામાં 1.5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સમાં છૂટ મેળવી શકાય છે. આ વખતે તેમાં વધારો કરી 2 લાખ રૂપિયા થવાની ધારણા છે. સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે કે તેને બમણી કરીને 3 લાખ કરી દેવા જોઈએ. છેલ્લા 7 વર્ષથી આમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જુલાઈ 2014 માં, તત્કાલીન નાણાં પ્રધાન અરુણ જેટલીએ તેને 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ કરી દીધા હતા.

કોરોના અને લોકડાઉનનાં સમય દરમિયાન લોકો ત્રાસી ગયા હતા. ખાસ કરીને દવા પર સૌથી વધારે ખર્ચ કરવો પડ્યો છે ત્યારે સરકાર મેડિકલ ઈન્સ્યોરન્સ કવરેજમાં રાહત વધારી શકે છે.

2020-21 નું આખું વર્ષ કોરોનાની પકડમાં રહ્યું છે. આ સમય દરમિયાન, ઘણા લોકો કોરોનાથી ત્રાસી ગયા હતા અને તેમને દવા પર ઘણો ખર્ચ કરવો પડ્યો હતો. ઘણા લોકોએ ભવિષ્યના જોખમને ધ્યાનમાં રાખીને તેમના મેડિકલ ઈન્સ્યોરન્સ કવરેજમાં પણ વધારો કર્યો છે. કોરોના સમયગાળાને ધ્યાનમાં રાખીને, એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે તબીબી વીમાને ધ્યાનમાં રાખીને, સરકાર આ વખતે 80 ડી હેઠળ મળતા 25000 રૂપિયા સુધીની કપાત વધારીને 50 હજાર રૂપિયા સુધી કરી શકે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવે તેવી સંભાવના છે.

સરકાર પેન્શન યોજનામાં પણ ફેરફાર કરી શકે છે. નેશનલ પેન્શન સ્કીમમાં 80 સીસીડી (1 બી) હેઠળ રાહતમાં વધારો કરવામાં આવી શકે છે.

બજેટમાં, એનપીએસ એટલે કે રાષ્ટ્રીય પેન્શન યોજનામાં રોકાણ પર 80 સીસીડી (1 બી) હેઠળ કર મુક્તિ મર્યાદા રૂ .50,000 થી વધારીને 1 લાખ કરવાની અપેક્ષા છે. વર્તમાન પરિસ્થિતિમાં એનપીએસમાં 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો છો, તો તમે 80 સીસીડી (1 બી) ના 50 હજાર અને 80 સીસીડી (1) ના 1.50 લાખની છૂટ સહિત 2 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મેળવી શકો છો. હાલાંકી, આ સ્થિતિમાં તમે 80 સીસીડી (1) હેઠળ અન્ય કોઈ રોકાણ (પીપીએફ, ટેક્સ સેવર એફડી, ઇએલએસએસ) પર ટેક્સ છૂટ નહીં મેળવી શકો.

કોરોના દરમિયાન વર્ક ફોર હોમનું ચલણ વધ્યું છે. સંક્રમણથી બચવા કંપની દ્વારા ઘરે કામ કરવાની છૂટ આપવામાં આવી છે. નવી પધ્ધતિ અનુસાર સરકાર ઘરેથી કામ કરતાં કર્મચારીઓને કપાત આપી શકે છે.

કોરોના સમયગાળામાં કામ કરવાની રીત નોંધપાત્ર બદલાઈ ગઈ છે. ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, બજેટ 2021 માં, સામાન્ય માણસને આશા છે કે, સરકાર ઘરેથી કામ કરવા માટે કેટલીક કર મુક્તિ આપી શકે છે, કારણ કે ઘરેથી કામ કરતાં કર્મચારી પાસે ઇન્ટરનેટ, ખુરશી-ટેબલ અને કેટલીકવાર નાના ઓફિસ સેટ-અપ ઊભા કરવા પડ્યા છે. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે, સરકાર આ માટે પણ સ્ટાન્ડર્ડ ડિડેકશનની જાહેરાત કરી શકે છે.

એવી અપેક્ષા પણ છે કે મોદી સરકાર આ બજેટમાં ટર્મ વીમાને પ્રોત્સાહન આપવા માટે પગલાં લઈ શકે છે. ખરેખર, કોરોના યુગમાં, ઘણા લોકો ટર્મ વીમાના મહત્વને સમજી ચૂક્યા છે, પરંતુ હજી પણ ઘણા લોકો તેમાં નાણાં ખર્ચતા ખચકાય રહ્યા છે. ટર્મ ઈન્સ્યોરન્સ કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી પરિવારની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી જ રસપ્રદ જાણકારીઓ માટે બન્યા રહો કનેક્ટ ગુજરાત સાથે

Tags:    

Similar News