ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પરીક્ષાનો પ્રારંભ, તા. 20 ઓક્ટોબરથી દિવાળી વેકેશન...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તગત સ્કૂલમાં આજથી પ્રથમ કસોટીની શરૂઆત થઈ છે.

Update: 2022-10-10 06:29 GMT

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તગત સ્કૂલમાં આજથી પ્રથમ કસોટીની શરૂઆત થઈ છે. બે વર્ષ બાદ કોરોનાના નિયંત્રણ સિવાય શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે. જેથી અડધો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયા બાદ યોજાતી આ પરીક્ષા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો બીજી તરફ અન્ય ધોરણના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષામાં પ્રથમ કસોટીના ગુણ ઉમેરવામાં આવતા હોય છે. જેથી આ પરીક્ષા મહત્વની બની રહેતી હોય છે.

2 વર્ષ અગાઉ એટલે કે, કોરોના પહેલા બોર્ડ જાહેરાત કરી હતી કે, શાળા કક્ષાએ લેવામાં આવતી પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા પુરા પાડવામાં આવશે. જેથી પરીક્ષાની મહત્વતા અને ગંભીરતા જળવાઈ રહે. પરંતુ કોરોના આવ્યા બાદ આ યોજના લાગુ થઈ ન હતી. હવે ફરી બોર્ડ દ્વારા પરિપત્ર કરીને સૂચના અપાઈ હતી કે, આ પરીક્ષા શાળા કક્ષાએ જ પ્રશ્નપત્રો કાઢીને યોજવાની રહેશે. જેથી હવે આ પરીક્ષા સ્થાનિક કક્ષાએ શાળામાં જ લેવામાં આવી રહી છે. 10 ઓક્ટોબરથી શરૂ થતી પરીક્ષા 18 ઓક્ટોબર સુધી ચાલશે. અને 20 ઓક્ટોબરથી સ્કૂલોમાં દિવાળી વેકેશનની શરૂઆત થશે. 20 ઓક્ટોબરથી 21 દિવસ સુધી શાળામાં દિવાળી વેકેશન રહેશે. એટલે કે, 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી શાળામાં દિવાળી વેકેશન રહેશે. અગાઉ કોરોના કાળમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્કૂલની એકમ કસોટી ઓનલાઇન અને ઘરેથી જ આપી રહ્યા હતા. જેની અસર વિદ્યાર્થી, જ્યારે સ્કૂલમાં આવીને પરીક્ષા આપી તેના પર પડી હતી. વિદ્યાર્થીઓને લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ હતી તથા એક જ જગ્યાએ બેસીને સતત ભણી શકતા નહોતા. તેથી આ વર્ષે સ્કૂલ શરૂ થતાં અનેક સ્કૂલમાં લખવાની પ્રેક્ટિસ તથા અન્ય એક્ટીવીટી કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ અઘરો ન લાગે.

Tags:    

Similar News