ચૂંટણી અધિકારીઓની નિમણૂકમાં જજની આવશ્યકતા નથી : કેન્દ્ર સરકાર

Update: 2024-03-21 03:11 GMT

કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી અધિકારી અને અન્ય અધિકારીઓની નિમણૂક અંગેના અધિનિયમ પર પ્રતિબંધ મૂકવા દાદ માગતી અરજીઓનો વિરોધ કર્યો છે. બુધવારે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ટાણે કાયદા મંત્રાલયે આપેલા સોગંદનામામાં કહેવાયું હતું કે ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ સાથે સંકળાયેલી પેનલમાં કોઈ જજની ઉપસ્થિતિની જરૂર નથી.

ચૂંટણીપંચ સ્વતંત્ર સંસ્થા છે અને તેની પસંદગી માટેની પૅનલમાં કોઈ ન્યાયિક સભ્યની ઉપસ્થિતિને કારણે તેની સ્વતંત્રતા જળવાતી નથી.વાસ્તવમાં, 14 માર્ચે બે ચૂંટણી અધિકારીઓની નિમણૂક સામે અરજદાર કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને ‘એડીઆર’એ વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે બંને નિમણૂક સુપ્રીમકોર્ટના માર્ચ, 2023ના ચુકાદા વિરુદ્ધ છે. તે સમયે 5 જજની બંધારણીય પીઠે અનુપ બરનવાલ કેસમાં કહ્યું હતું કે નિયુક્તિવાળી પૅનલમાં વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયમૂર્તિ હોવા જોઈએ. પરંતુ ડિસેમ્બર, 2023માં સંસદે નિમણૂક અંગેનો કાયદો પસાર કર્યો તેમાં પેનલમાં મુખ્ય ન્યાયમૂર્તિને રાખવામાં નથી આવ્યા. આ કાયદો કોર્ટના ચુકાદાને ફેરવી તોળવા માટે લવાયો છે અને આ સ્થિતિમાં નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી. કોર્ટ 21 માર્ચે સુનાવણી કરશે.

Tags:    

Similar News