ગાંધીનગર: વરસાદથી પાકને નુકશાન થયું છે તો થઈ જાઓ ચિંતામુક્ત, રાજ્યસરકારે 3700 કરોડનું પેકેજ જાહેર કર્યું

Update: 2020-09-21 11:41 GMT

સહાય કેવી રીતે મળશે, તે જાણવા વાંચો આ સમાચાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે ચોમાસુ સત્રના પ્રથમ દિવસે રાજ્યના કિસાનોને આ વર્ષે ખરીફ ઋતુમાં અતિવૃષ્ટિના કારણે થયેલ પાક નુકશાન સામે રાહત પેકેજની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની આ ખેડૂત હિતલક્ષી સરકાર હંમેશા ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે. સીએમ રૂપાણી કહ્યું કે, ઓગસ્ટ મહિનામાં કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને કારણે ખેતરો ધોવાતા ખેતી પાકોને મોટાપાયે નુકશાન થયું છે. આ નુકસાની સામે સહાય આપવા અંગે રાજ્યના ખેડૂત, ખેડૂત સંગઠનો અને પ્રજાના જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આ સહાય પેકેજ આપ્યું છે.

મુખ્યમંત્રીએ વિધાનસભાગૃહમાં નિયમ-44 અનુસંધાને કરેલા બયાનમાં જણાવ્યું હતું કે, ‘‘રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની શરુઆત સારી રીતે અને સમયસર થઈ હતી. શરુઆતી તબક્કામાં ખેતીને અનુકુળ વરસાદ થયો હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખુબ સારા ઉત્પાદનના સંજોગો હતા. પરંતુ ઓગષ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતી પાકોને નુકશાનના અહેવાલ છે’’.

રજૂઆત પ્રમાણે મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વિગેરે જેવા પાકોમાં નુકશાન થયું છે. સરકારે અનેકવાર જાહેરાત કરી છે કે, ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકશાન પામશે તો સહાય આપવાની બાબતે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.

20 જિલ્લાના 123 તાલુકાના ખેડૂતો મેળવશે લાભ

કેટલાક તાલુકાઓમાં તા. 19-9-2020ની સ્થિતિએ થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલ સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે.

જેના માટે રૂ. 3700 કરોડનુ સહાય પેકેજ જાહેર કરાયું છે. જે રાજ્યના ખેડુતોને નુકસાનીમાં મદદરૂપ થશે. જેમાં 33% અને તેથી વધુ પાક નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ. 10,000 પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. જ્યારે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ન્યૂનતમ રૂ. 5,000 ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજીત 27 લાખ જેટલા ખેડુત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ મળશે. એટલું જ નહીં, રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકશાનીના આકલન આવશે તો રાજ્ય સરકાર તે અંગે પણ વિચારણા કરશે.

અરજી નીચે જણાવ્યા પ્રમાણે કરવાની રહેશે

લાભાર્થી ખેડૂતો માટે ઓનલાઇન અરજી કરવા તા: 1-10-2020 થી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવશે. ખેડુતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી અન્વયે મંજુરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડુતના બેંક ખાતામાં ઓનલાઇનથી જમા કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ.

Tags:    

Similar News