અમદાવાદ: વકીલના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 22 લાખના માલમત્તાની ચોરી

વકીલ પરિવાર સાળંગપૂર દર્શન કરવા ગયો હતો, પાલડી પોલીસે તપાસ શરૂ કરી.

Update: 2021-07-14 10:28 GMT

અમદાવાદમાં ધોળા દિવસે રૂ.22 લાખની ચોરીની ઘટના સામે આવી છે. પાલડી વિસ્તારમાં આવેલા અક્ષત ફ્લેટમાં વકીલના ઘરમાં તસ્કરો ત્રાટકી જમીન દસ્તાવેજ માટે રાખેલા રોકડા રૂ.20 લાખ અને 2 લાખના દાગીનાની મળી રૂ.22 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પાલડી વિસ્તારમાં ધરણીધર દેરાસર પાસે આવેલા અક્ષત ફ્લેટમાં શિલ્પાબેન શાહ પરિવાર સાથે રહે છે. શિલ્પાબેનના પતિ નીતિનભાઈ સિવિલ કોર્ટમાં વકીલ છે. મંગળવારે શાહ પરિવાર બોટાદ ખાતે સાળગપુર દર્શન કરવા માટે ગયો હતો. ઘરને લોક મારી ચાવી બાજુમાં આવેલા મકાનમાં આપીને ગયા હતા. સાંજે પરિવાર પરત ઘરે આવ્યો હતો. શિલ્પાબેન બાજુમાંથી ચાવી લઈ ઘર ખોલવા ગયા ત્યારે ઘરનો દરવાજો અંદરથી ખુલ્લો હતો. નકુચાને સ્ક્રૂથી ખોલી ઈન્ટરલોક તોડી અજાણ્યા શખસો ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરની તમામ લાઈટો ચાલુ હતી.

ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેમણે પતિને જાણ કરી હતી. ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો. બેડરૂમમાં આવેલા કબાટના દરવાજા ખુલ્લા હતા અને ડ્રોઅર પણ પલંગ પર હતા. કબાટમાં ડ્રોઅરમાં જમીનના દસ્તાવેજ માટે મૂકેલા રોકડા રૂ.20 લાખ ગાયબ હતા તેમજ રૂ.2 લાખના સોના અને ચાંદીના દાગીના ગાયબ હતા. અન્ય રૂમમાં કબાટ પણ વેરવિખેર હતા. ઘટનાની જાણ પાલડી પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અજાણ્યા શખસ ઘરના નકુચાને તોડી રૂ.22 લાખની મતાની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પાલડી પોલીસે નોંધી આરોપીની તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News