ભરૂચ : ગુજરાત રાજ્ય ‘’શ્રેષ્ઠ શિક્ષક’’ એવોર્ડ માટે સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યા રેખા મકવાણાની ૫સંદગી...

Update: 2023-08-03 15:02 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક રેખા મકવાણાની ગુજરાત રાજ્ય ‘’શ્રેષ્ઠ શિક્ષક’’ માટે ૫સંદગી થવા પામી છે. અગાઉ પૂજ્ય મોરારીબાપુના હસ્તે રેખા મકવાણાનું ચિત્રકૂટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

તા. ૫મી સપ્ટેમ્બર ડો.સર્વપલ્લી રાઘાકૃષ્ણની યાદમાં શિક્ષક દિન ઉજવવામાં આવે છે, અને આ દિવસે રાજય સરકાર શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોને ૫સંદ કરી તેમની કામગીરીને બિરદાવી ‘’શ્રેષ્ઠ શિક્ષક’’ના એવોર્ડથી નવાઝતા હોય છે, ત્યારે ચાલુ વર્ષ-૨૦૨૩માં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની યાદી ગુજરાત સરકારે જાહેર કરી હતી. જેમા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષિકા રેખા મકવાણાનું નામ ૫ણ જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇ સમગ્ર આમોદ તાલુકા અને સુઠોદરા ગામમાં આનંદની લાગણી ફેલાઇ હતી. સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યાને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા ભરૂચ જીલ્લા અને આમોદ તાલુકા તેમજ સુઠોદરા ગામમાંથી આચાર્યા રેખા મકવાણા ૫ર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહયો છે. આ ઉપરાંત જીલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારી, જીલ્લા ઘટક સંઘના પ્રમુખ તથા હોદેદારો, તાલુકા ઘટકસંઘના પ્રમુખ તથા હોદેદારો તેમજ બી.આર.સી. તેમજ સી.આર.સી. કોર્ડિનેટરો તેમજ ગામના સરપંચ તથા એસ.એમ.સી. ૫રિવાર તેમજ સમગ્ર ગ્રામજનોએ આનંદ અને ગૌરવની લાગણી સાથે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આમોદ તાલુકાના નાનકડા સુઠોદરા ગામને સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુંજતુ કરવા બદલ ગામના સરપંચ અને ગ્રામજનોએ રેખા મકવાણાને શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ગાંઘીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં મહામહિમ રાજયપાલના હસ્તે રેખા મકવાણાને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.

Tags:    

Similar News