કચ્છ : સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવવા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-2024નો ઉત્સાહભેર પ્રારંભ...

કચ્છ જિલ્લાના ધોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-2024નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Update: 2024-01-11 12:17 GMT

કચ્છ જિલ્લાના ધોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-2024નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 12 દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના 50થી વધુ પતંગબાજોએ અવનવી પતંગો ઉડાવી સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.

ગુજરાત પ્રવાસન વિભાગ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ 12 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહિત વિવિધ દેશમાંથી આવેલા પતંગબાજોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારવા સાથે આવકાર આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટરએ વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ઉતરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે. આ તહેવારને સમગ્ર ભારતમાં જુદા જુદા નામથી ઉજવવામાં આવે છે. પરંતુ તે સમગ્ર દેશને એક તાંતણે જોડે છે. ગુજરાતે આ પર્વને ટૂરીઝમ સાથે જોડીને તેનું મહત્વ અનેકગણું વધારી દીધું છે. રાજ્ય સરકાર સરહદી ગામ ધોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરીને ટૂરીઝમના વિકાસ સાથે ગ્રામલોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે દિશામાં પ્રયાસો કરી રહી છે. કચ્છના પ્રવાસન સ્થળનો વધુ વિકાસ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટીબદ્ધ હોવાનું પણ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન ઓમાન, પોલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, ફ્રેન્ચ પોલેનીશીયા, પોર્ટુગલ, રોમાનિયા, ટ્યૂનિશિયા, સિંગાપોર, સાઉથ આફ્રિકા, યુક્રેન, વિયેતનામ તેમજ રાજસ્થાન, અમદાવાદ અને કચ્છ જિલ્લાના પતંગબાજોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની ખૂબ મજા માણી હતી. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી નૃત્યકૃતિઓને વિદેશી પતંગબાજો સહિતના મહાનુભાવોએ બિરદાવી હતી.

Tags:    

Similar News