રાજસ્થાનના જયપૂરમાં ભારતીય કિસાન સંઘ આયોજિત કિસાન મહાસંમેલનમાં ગુજરાતના કૃષિક્રાંતિના સફળ આયામોનું વિસ્તૃત વિવરણ કરતા મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે.

Update: 2016-02-20 12:15 GMT

ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે કૃષિક્ષેત્રે બહુઆયામી આયોજન અને ખેડૂત કલ્યાણ અભિગમની પરિપાટીએ ગુજરાત પાછલા દોઢ દાયકાથી ડબલ ડીજીટ એગ્રીકલ્ચર ગ્રોથ રેટ સાથે હરિતક્રાંતિનું અગ્રણી બન્યુ છે તેવો સ્પષ્ટ વિશ્વાસ દર્શાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અગાઉના વર્ષોમાં દુકાળગ્રસ્ત રાજ્યમાં ગણના પામતું ગુજરાત આ કૃષિક્રાંતિ ચમત્કારથી કૃષિપ્રધાન રાજ્યોની કક્ષાએ પહોચ્યુ છે.

શ્રીમતી આનંદીબહેન પટેલે રાજસ્થાનના જયપૂરમાં ભારતીય કિસાન સંઘ આયોજિત કિસાન મહાસંમેલનમાં ગુજરાતના કૃષિક્રાંતિના સફળ આયામોનું વિસ્તૃત વિવરણ કર્યું હતું.

તેમણે ગુજરાતના નવતર કૃષિ પ્રયોગ એવા કૃષિમહોત્સવની સફળતાની ભૂમિકા આપતાં કહ્યું કે, ખેડૂતોના ખેત ઉત્પાદનમાં બે ગણી વૃધ્ધિ કરવાના ધ્યેય સાથે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ર૦૦૪-૦પમાં રાજ્યવ્યાપી કૃષિમહોત્સવની શૃંખલા શરૂ કરીને કૃષિરથ ગામે-ગામ પહોચ્યા અને ખેડુતોને ઘેર બેઠાં જ કૃષિતજજ્ઞો, કૃષિવૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મળતું થયું.

મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સહ જાહેર કર્યું કે, આ પ્રયોગ ઓપન યુનિવર્સિટી બન્યો છે અને પ્રતિવર્ષ કૃષિકારો માટે આધુનિક ખેતી, નવિનત્તમ ટેકનોલોજીના આવિષ્કરણનો છડીદાર બન્યો છે. ર૦૧પમાં ૮ લાખ ધરતીપૂત્રો આ કૃષિમહોત્સવમાં જોડાયા હતા અને ૩ લાખથી વધુ કિસાન લાભાર્થીઓને રૂ૪પ કરોડની કૃષિવિષયક સહાય આ સરકારે પહોચાડી હતી.

શ્રીમતી આનંદીબહેને ઉમેર્યું કે, કૃષિમહોત્સવની જવલંત સફળતાને પગલે જળસંચય, જળસિંચન તથા કૃષિસિંચાઇ માટે પાણીની પર્યાપ્ત ઉપલબ્ધીને પરિણામે વર્ષમાં એક પાક લેતો ખેડૂત હવે બે પાક લેતો થયો છે.

તેમણે કહ્યું કે, આકાશી ખેતી કરતા કિસાનને નવી દિશા આપવા ર૦૧૪થી રાજ્યમાં રવિ કૃષિમહોત્સવની કડી પણ જોડવામાં આવી છે અને ગત વર્ષે ર૩૬ તાલુકામથકોએ યોજાયેલા આવા રવિ કૃષિમહોત્સવોનો લાભ ર.૭પ લાખ ખેડૂતોએ લીધો છે.

રવિ કૃષિમહોત્સવ તહેત રૂા.૬૧.૩૩ કરોડની કૃષિવિષયક સહાય ૧૬ હજાર ૭૦૦ ખેડૂતોને હાથોહાથ પહોચાડી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતનો આ કૃષિક્રાંતિ ચમત્કાર કૃષિ હિતલક્ષી અભિગમ અને પૂરતી વીજળી, પાણી-સિંચાઇ સહુલિયત તથા જમીનની યોગ્ય વૈજ્ઞાનિક ઢબે ચકાસણીની સોઇલ હેલ્થકાર્ડ જેવી યોજનાઓનો સહિયારો પરિપાક છે.

આ અંગેની વિશદ છણાવટ કરતાં તેમણે કહ્યું કે, ખેડૂતને પોતાની જમીનની ગુણવત્તાની જાણકારી મળે અને તેને અનુરૂપ પાક-વાવેતર થઇ શકે તેવા ઉદાત ભાવ સાથે સોઇલ હેલ્થકાર્ડનો પ્રયોગ રંગ લાવ્યો છે અને ૯૦ લાખ કિસાનો પાસે આજે પોતાના સોઇલ હેલ્થકાર્ડ ઉપલબ્ધ થયા છે.

ધરતીપુત્રોને સિંચાઇના પાણીની કોઇ ખોટ ન વર્તાય તે માટે સુજલામ-સુફલામ યોજના તેમજ નર્મદામૈયાના જળ કેનાલો મારફતે પહોંચાડવાનું વોટરગ્રીડ કેનાલ નેટવર્ક પ્રસ્થાપિત કરીને ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રના તથા છેક રાજસ્થાન સરહદના સુકાભઠ્ઠ ક્ષેત્રોને પાણી પહોચાડયું છે.

એટલું જ નહિ, સુક્ષ્મ સિંચાઇ યોજના દ્વારા ઓછા પાણીએ મહત્તમ પાક-‘‘પર ડ્રોપ મોર ડ્રોપ‘‘નો હેતુ સાર્થક કરીને ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા ટપક સિંચાઇ, સ્પ્રિંકલર સિંચાઇને પ્રોત્સાહિત કરી છે.

‘‘આવી પધ્ધતિ અપનાવનારા ખેડૂતોને રૂ. ૬૦ થી ૯૦ હજાર પ્રતિહેકટર સહાય પ્રોત્સાહન અમે પુરૂં પાડીએ છીએ‘‘ એમ તેમણે ઉમેર્યું હતું.

Similar News