ભરૂચ : સ્લમ વિસ્તારોને નાબૂદ કરવા માટેની રાજીવ ગાંધી આવાસ યોજના નિષ્ફળ જવાના એંધાણ..!

Update: 2023-03-16 15:33 GMT

જે.બી.મોદી પાર્ક સામે 10 વર્ષ પહેલા આવાસોનું નિર્માણ

થોડા સમય બાદ જ તકલાદી આવાસોની હાલત ખસતા

લાભાર્થીઓ નર્કાગારની સ્થિતિમાં જીવવા મજબુર બન્યા

ભરૂચમાં સ્લમ વિસ્તારોને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી.મોદી પાર્કની સામે સાબુ ઘર નજીક આવાસનું 10 વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબોને નગરપાલિકા દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહેવા આવ્યા હતા. પણ સ્વપ્ન એ માત્ર સ્વપ્ન જ રહી ગયું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. ઝૂપડપટીમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા સારું ઘર આપવાની વાત કરી ગરીબોને આવાસો ફાળવવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ જ તકલાદી આવાસોની હાલત ખસતા થઈ ગઈ છે. આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, આવાસો એ પ્રકારના બનાવ્યા છે કે, બારેમાસ મળમૂત્ર સહિતનું પાણી મકાનોમાં પડતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. એટલું જ નહીં, અહી ડ્રેનેજ લાઈન, પાણી તદ્દઉપરાંત ઘરોમાં રસોડા સહિતના રૂમોમાં મળમૂત્રનું પાણી બારેમાસ પડતા રહેવાની મોટી તકલીફ પડી રહી છે. જોકે, ઝૂપડામાં રહેતા લોકો માટે સરકાર દ્વારા આવસો બનાવી ઝુંપડા તો હટાવી દેવાયા છે, પણ પોતાના સ્વપ્નનું ઘર આપવાને બદલે નર્કાગાર સ્થિતિમાં મુકીને હાથ અધ્ધર કરી દેવામાં આવ્યા છે. આ મામલે વિપક્ષના સમસાદ અલી સૈયદએ જણાવ્યું હતું કે, રાજીવ આવાસ યોજના નિષ્ફળ ગઈ છે અને સાથે સાથ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ યોજનામાં થયો હોવાનું જણાવી આગામી નગરપાલિકાની બોર્ડ મિટિંગમાં આ મુદ્દો ઉઠાવી ગેરરીતિ આચારનાર અધિકારી અને તકલાદી બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરને ચૂકવેલા નાણાઓ રિકવર કરી આવાસની કામગીરી અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવા જણાવાયું છે.

જોકે, લાભાર્થીઓ અને નગરપાલિકાના વિપક્ષના નેતાઓના આક્ષેપ બાદ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાનો લાભાર્થીઓને અપાઈ ગયા છે. પરંતુ કેટલાક લાભાર્થીઓએ 70 હજાર રૂપિયા ચૂકવવા પડે એના માટે રહેવા નથી આવતા તેવા આક્ષેપ નગરપાલિકાના પ્રમુખે કર્યા છે, અને મકાનોના ડ્રેનેજ લાઈન મકાનોમાં મળમૂત્રનું પાણી પડવા બાબતે એન્જિનીયરો સાથે વાતચીત કરી યોગ્ય પગલાં લેવાનું અને કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી આગામી દિવસોમાં લાભાર્થીઓની સમસ્યાનું નિવારણ લાવવાનું રટણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધી આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટર અને પાલિકા તંત્રની રાજ રમતમાં હાલતો ઝૂંપડામાંથી પોતાના સ્વપ્નના ઘરમાં રહેવા આવેલા લાભાર્થીઓ ફરી એક વખત નર્કાગારની સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે.



Tags:    

Similar News