મધ્યપ્રદેશમાં તાલીબાની સજા; યુવકને ઢોર માર મારી ફિલ્મી સ્ટાઈલમાં ગાડી પાછળ બાંધી ઢસેડી મોતને ઘાટ ઉતાર્યો

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ બાબતે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ શિવરાજ સરકારને ઘેરી છે

Update: 2021-08-29 07:01 GMT

મધ્યપ્રદેશના નીમચથી એક જઘન્ય અપરાધ પ્રકાશમાં આવ્યો છે. અહીં એક નાના વિવાદ બાદ કેટલાક લોકોએ આદિવાસી યુવકને પહેલા ખુબ જ ખરાબ રીતે માર્યો, ત્યારબાદ તેને ગાડી સાથે બાંધીને ઢસડ્યો. ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ બાબતે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ શિવરાજ સરકારને ઘેરી છે અને મધ્યપ્રદેશમાં શું થઈ રહ્યું છે તે પૂછ્યું છે. તેમણે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, માર્યા ગયેલા આદિવાસી યુવકનું નામ કન્હૈયા લાલ ભીલ છે. તે પોતાના સાથી સાથે ગામ કાલાણ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની બાઇક એક સમાજના વ્યક્તિ સાથે અથડાઇ હતી. ત્યારબાદ આ સમાજના લોકોએ આદિવાસી યુવકને લાકડીઓથી માર માર્યો હતો. આ પછી, ક્રૂરતાની હદ વટાવીને, તેઓએ આદિવાસી યુવકને પીકઅપ વાહન પાછળ દોરીથી બાંધી દીધો અને તેને ઘણે દૂર ખેંચી ગયા. આ ઘટનાને અંજામ આપતી વખતે હુમલાખોરોએ પોતે જ તેનો વીડિયો બનાવ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના 26 ઓગસ્ટની છે. પોલીસે આ કેસમાં 8 લોકોના નામ આપ્યા છે. ચિત્રમલ ગુર્જર અને મહેન્દ્ર ગુર્જર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘટના સમયે પીકઅપ ચલાવતા યુવકને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસનો દાવો છે કે, ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે.

ગુનેગારોએ જાતે જ પોલીસને જાણ કરી હતી


સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ગુનેગારોએ જાતે જ પોલીસને જાણ કરી હતી. તેમણે પોલીસને જણાવ્યું કે, તેમણે એક ચોરને પકડ્યો છે, જે ઘાયલ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુવાનને નીમચ હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. આ પછી, વાયરલ વીડિયો દ્વારા સત્ય બહાર આવ્યું કે, આદિવાસી યુવકને રસ્તા પર ઘસેડવામાં આવ્યો હતો.

Tags:    

Similar News