જેતપુર : જેતલસર ગામે સૃષ્ટિ રૈયાણીનું બેસણું, એક સમયના સાથી હાર્દિક અને રેશ્મા થઇ ગયાં ભેગાં

Update: 2021-03-22 16:01 GMT

રાજકોટનાં જેલસરમાં સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ હવે રાજકીય અખાડો બની ચુક્યો હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક એક પક્ષનાં નેતાઓ પરિવારને સાંત્વના આપવા આવી રહયાં છે. સોમવારે સવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા સહિતના ભાજપના આગેવાનો આવ્યાં હતાં અને સરકારે આ કેસમાં કરેલી કાર્યવાહીથી પરિવારજનોને વાકેફ કર્યા હતાં. બપોર બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને એનસીપીના નેતા રેશ્મા પટેલ જેતલસર રૈયાણી પરિવારના ઘરે પહોંચ્યાં હતાં. હાર્દિક પટેલે મૃતકના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે 21 હજાર રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. હાર્દિક પટેલની સાથે એક સમયના તેમના પાટીદાર અનામત આંદોલન સમિતિના રેશ્મા પટેલ પણ આવ્યાં હતાં. કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ અંગે જણાવ્યું કે, 30 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં વહેલો કેસ સરકાર દ્વારા ચલાવવો જોઇએ. આરોપીને ફાંસીની સજા થાય તે પ્રકારના પુરાવા પોલીસે ભેગા કરવા જોઇએ...

એન.સી.પી પ્રદેશ અધ્યક્ષ રેશ્મા પટેલે પણ આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે  જણાવ્યું કે, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માત્ર વાતો નહી પરંતુ 30 દિવસમાં સજા થાય તેવા તમામ પ્રયાસો સરકાર અને તંત્રએ કરવું જોઇએ. ગુજરાતમાં હજી પણ આવી ઘટના બને તે કથિત વિકસિત ગુજરાત માટે ખુબ જ શરમજનક બાબત છે.

Similar News