કચ્છ : જિલ્લાભરની અદાલતોમાં “નો એન્ટ્રી”, કોરોનાને લઈને હાઇકોર્ટના નિર્દેશનો અમલ

Update: 2020-03-18 07:13 GMT

કોરોના વાયરસને લઈને ભુજ કોર્ટમાં સ્ક્રીનિગ શરૂ કરી દેવાયું છે ઉપરાંત અનિવાર્ય સંજોગો વિના અસીલ,પક્ષકારો,વકીલોને કોર્ટમાં ન આવવાનું સૂચન કરાયું છે.

કોરોના વાયરસથી આખી દુનિયા જઝૂમી રહી છે. સૌ કોઈ બચવાના અને તકેદારીના પગલાં ભરી રહ્યું છે. ભારત દેશમાં અને ગુજરાતમાં પણ કોરોના વાયરસથી લડી લેવા અનેક પગલાં ભરવામાં આવ્યા છે. સરકાર અને સ્વાયત્ત સંસ્થાઓ સહિત સ્વબચાવમાં દરેક લોકો યોગદાન આપી રહ્યા છે. શાળા, કોલેજો, મલ્ટીપ્લેક્ષ, મોલોને બંધ કરવાના આદેશ બાદ ધાર્મિક સંસ્થાઓ એ સાવચેતી માટે પ્રતિબંધો લગાવ્યા છે ત્યાં હવે ગુજરાત હાઈકોર્ટે પણ અનિવાર્ય સંજોગો સિવાય કોર્ટમાં લોકોના પ્રવેશને અટકાવ્યો છે. હાઇકોર્ટના નિર્દેશ બાદ કચ્છ જિલ્લાની ન્યાયાલયોમાં અમલવારી શરૂ થઈ હતી.

કચ્છના ન્યાયાલયોમાં ધારાશાસ્ત્રીઓ, પક્ષકારો, અસીલોએ અનિવાર્ય સંજોગો સિવાય આવવું નહીં તેવી તાકીદ કરાઇ છે મુખ્ય જિલ્લા ન્યાયમૂર્તિ આઈ.ડી. પટેલે જણાવ્યું કે, કોરોના વાયરસની ભીતિને લઈને હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે કેટલાક નિર્દેશ જાહેર કર્યા છે. કચ્છની કોર્ટોમાં પણ તેની અમલવારી શરૂ કરી દેવાઈ છે. વકિલમિત્રો, કોર્ટના સ્ટાફ, પક્ષકારો તેમજ કોર્ટમાં આવનારા અન્ય લોકોમાં જાગૃતતા ફેલાવાઈ રહી છે.

તંત્ર તરફથી ભુજ કોર્ટને બે ટેમ્પરેચર ગન ફાળવાતા કોર્ટમાં પ્રવેશનારા તમામ લોકોનું સ્ક્રિનીંગ શરૂ કરવામાં આવ્યું છે. કોર્ટ સંકૂલની દરરોજ વ્યવસ્થિત સાફસફાઈ કરવાની સાથે સેનિટાઈઝેશન માટે પણ આદેશો અપાયા છે કોર્ટ સંકૂલમાં ખોટી ભીડ ન થાય તે માટે અનિવાર્ય સંજોગો સિવાય વકિલમિત્રો, પક્ષકારોના પ્રવેશ પર રોક લગાવાઈ છે. ઉપરાંત ૩૧ માર્ચ સુધી કોઈ પક્ષકાર કેસમાં હાજર નહીં રહે તો તેની સામે કોઈ કાર્યવાહી પણ કરવામાં આવશે નહીં. કાચા કામના કેદીઓની હાજરી પણ વીડિયો કોન્ફરન્સ મારફતે પુરાશે તેવી માહિતી જણાવી હતી.

Similar News