ભરૂચ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝઘડીયા-ખડોલી ગામે વિજય સંકલ્પ સભા ગજવી, કોંગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહારો

7મેંના રોજ મતદાન યોજાવાનું છે. તેવામાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે

Update: 2024-04-27 12:43 GMT

ભરૂચ લોકસભા-ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા

મનસુખ વસાવાના સમર્થનમાં યોજાય વિશાળ સભા

ઝઘડીયાના ખડોલી ગામે યોજાય વિજય સંકલ્પ સભા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યા વિશેષ ઉપસ્થિત

કોંગ્રેસ અને AAP પર અમિત શાહે કર્યા શાબ્દિક પ્રહારો

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં ઝઘડીયા તાલુકાના રાજપરડીના ખડોલી ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો પર આગામી તા. 7મેંના રોજ મતદાન યોજાવાનું છે. તેવામાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી છે. સવારે જામકંડોરણમાં જાહેર સભાને સંબોધ્યા બાદ બીજી સભા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભરૂચ જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. ઝઘડીયા તાલુકાના રાજપરડીના ખડોલી ગામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખડોલીમાં કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિશાળ જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. તેઓએ મંચ પરથી કહ્યું હતું કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું કોંગ્રેસને આમંત્રણ આપ્યું પણ એમને વોટબેંકની બીક લાગે એટલે ગયા જ નહીં. આ સાથે જ કોંગ્રેસવાળા 70 વર્ષથી 370ની કલમને દત્તક છોકરાની જેમ ખોળામાં રમાડતા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જૂઠાણા ફેલાવે છે.

કોંગ્રેસ અને આપ ભેગા થઈને લડવા નીકળ્યા છે. મને કહેતા કોઈ સંકોચ નથી કે, કોંગ્રેસ આદિવાસી વિરોધી પાર્ટી છે, અને આમ આદમી પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા વાળી પાર્ટી છે. તો બીજી તરફ, અમિત શાહે જણાવ્યુ હતું કે, હું મોદીની ગેરંટી કહેવા આવ્યો છું. 70 વર્ષથી ઉપરના દરેક નાગરિકને કે જે, રોડપતિ હોય કે કરોડપતિ હોય દરેકનો દવાનો ખર્ચ નરેન્દ્ર મોદીએ માફ કરવાની જાહેરાત કરી દીધી છે. વધુમાં અમિત શાહે કહ્યું હતું કે, મનસુખ વસાવા જેવો જનપ્રતિનિધિ નહીં મળે.

ગરબડ કરશો તો અર્બન નકસલ આવીને આદિવાસી વિસ્તારને તહસનહસ કરી નાખશે, ભૂલ ન કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું. ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને જંગી બહુમતી સાથે જિતાડવા અમિત શાહે લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News