ભરૂચ : જંબુસરમાં ઇદે મિલાદુન્નબીના પર્વની તૈયારીઓને અંતિમ ઓપ, કોરોનાના કારણે ઝુલુસ મોકૂફ

Update: 2020-10-29 06:50 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં કોરોના મહામારી વચ્ચે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદુન્નબીના પર્વની તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

જંબુસર પંથકમાં મુસ્લિમ બિરાદરોના ઇદે મિલાદુન્નબીના પર્વની ભવ્ય ઉજવણી માટે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે માહે રબીઉલ અવ્વલના પહેલા ચાંદથી જલાલપુરા, તલાવપુરા, કસબા ગંજ શહિદની દરગાહ શણગારવામાં આવી છે. ઠેરઠેર લાઇટિંગના તોરણ, પોસ્ટરો, મોહલ્લા, મસ્જિદ અને શેરીઓને રોશનીથી શણગારી ઇદે મિલાદુન્નબીની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

જોકે હાલ ચાલી રહેલ કોરોના મહામારીના પગલે દરેક ધર્મના તહેવારોને કોરોનાનો ગ્રહણ લાગ્યો છે. જેમાં દરેક ધર્મના તહેવારો, ઉત્સવો તથા પ્રસંગો નિરાશ અને મજા વગરના થઈ પડ્યા છે, ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા સરકારની ગાઈડલાઇનને અનુસરી ઇદે મિલાદુન્નબીના પર્વની ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ ધર્મના સ્થાપક મહાન પેગમ્બર હજરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમના જન્મ દિન નિમિતે મુસ્લિમ સમુદાયના લોકો આખાય વિશ્વમાં પોતાના મકાનો, શેરીઓ, મહોલ્લાઓ તેમજ ધર્મસ્થળોને ઇદે મિલાદના માસના પહેલા જ દિવસથી રોશનીથી શણગારી ઝગમગ કરે છે.

સાથે જ ઈસ્લામિક મહિના રબિયુલ અવ્વલ માસની 12મી તારીખે દર વર્ષે સાનોસોકતથી નગરો શહેરો અને ગામડાઓમાં ઝુલુસ કાઢી ઇદે મિલાદનો તહેવાર ઉજવવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ઝુલુસ કાઢવાનું મોકૂફ રખાતા મુસ્લિમ સમુદાયમાં અફસોસની લાગણી જોવા મળી રહી છે. સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદના મુબારક મોકા પર અલ્લાહતાલાની બારગાહમાં કોરોના જેવી ગંભીર બીમારી આખા વિશ્વ અને ભારત દેશમાંથી નેસ્તનાબુદ થઈ જાય તેવી દુવાઓ અને પ્રાર્થનાઓ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવશે.

Tags:    

Similar News