LPG સબસિડીમાં બે માસમાં 60 ટકાનો ઉછાળો આવ્યો

Update: 2018-07-15 03:51 GMT

એલપીજી સબ્સિડીમાં છેલ્લા બે માસમાં ૬૦ ટકા ઉછાળો જોવા મળ્યો

આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીમાં ભાવમાં વધારો છતા સરકારે ભાવનું સ્તર અગાઉનું જ રાખ્યું છે. જેને પગલે એલપીજી સબ્સિડીમાં છેલ્લા બે માસમાં ૬૦ ટકા ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન સંજીવ સિંહે આ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે બેંક ખાતામાં ટ્રાંસફર કરવામાં આવનારી સબસિડીની રકમ મે માસમાં ૧૫૯.૨૯ રૃપિયા પ્રતિ સિલિન્ડર હતી જે જૂન માસમાં વધીને ૨૦૪.૯૫ રૃપિયા અને જુલાઇમા ૨૫૭.૭૪ રૃપિયા થઇ ગઇ છે. જુન માસથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવ વધી રહ્યા છે.

સબસિડી વગરના રસોઇ ગેસ સિલિન્ડરનો ભાવ મે માસમાં ૬૫૩.૫૦ રૃપિયા હતો. જૂનમાં તે વધીને ૬૯૮.૫૦ રૃપિયા થઇ ગયો, એટલે કે ૪૮ રૃપિયાનો વધારો થયો. આ મહિને સબસિડી વગરના રસોઇ ગેસ સિલિન્ડરની કીમત ૫૫.૫૦ રૃપિયાના વધારા સાથે ૭૫૪ રૃપિયા સુધી પહોંચી ગઇ હતી. ગ્રાહકોને એક વર્ષમાં સબસિડી વાળા ૧૨ સિલિન્ડર આપવામાં આવે છે. તે સિવાયના સિલિન્ડર ગ્રાહકોએ બજારભાવે લેવા પડે છે. એલપીજીના ભાવ વધ્યા છે પણ સબસિડી વાળા સિલિન્ડરના ભાવમાં કોઇ જ વધારો નથી થયો.

બીજી તરફ નિયમો મુજબ એલપીજી પર જીએસટી પણ લાગુ કરવામાં આવ્યો છે. જોકે એલપીજી પરના આ જીએસટીની ગણતરી ઇંધણના માર્કેટ ભાવના આધારે કરાય છે. એટલે કે કિંમતમાં વધારો થાય છે ત્યારે જીએસટી પણ વધે છે. જેને પગલે હાલ સબસિડી વાળા સિલિંડર ખરીદવા પર પણ ગ્રાહકોએ થોડી વધુ કિંમત ચુકવવી પડી રહી છે. મે માસમાં સબસિડીયુક્ત સિલિન્ડરના ભાવ ૪૯૧.૨૧ રૃપિયા હતી. જૂનમાં તે વધીને ૪૯૩.૫૫ રૃપિયા જ્યારે આ મહિને તે વધીને ૪૯૬.૨૬ સુધી પહોંચી ગયો છે.

 

Similar News