રાજકોટ : વિરપુરધામ બન્યું “જલારામ મય”, જુઓ કેવી રીતે કરાઇ જલારામ જયંતિની ઉજવણી..!

Update: 2020-11-21 10:56 GMT

આજરોજ સંત શીરોમણી શ્રી જલારામ બાપાની 221મી જન્મ જયંતિ નિમિતે સુરતનું કૃષ્ણ ગ્રૂપ સાયકલ યાત્રા લઈને વિરપુર આવી પહોચ્યું હતું. તો સાથે જ વિરપુરવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં વિરપુર ગામે ઘેર ઘેર લોકોએ રંગોળી કરી છે. ઉપરાંત સ્થાનિક સેવાભાવી યુવાનોએ પણ વિરપુર આવતા તમામ ભક્તોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કર્યું હતું, ત્યારે આજના શુભ અવસરે કોરોના જેવી મહામારી સમગ્ર વિશ્વમાંથી દૂર થાય તેવી સૌ ભક્તોએ પ્રાર્થના કરી હતી.

જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પૂજય જલારામ બાપાની શનિવારના રોજ 221મી જન્મ જયંતિ છે. ગયા વર્ષે બાપાના અન્નક્ષેત્રને 200 વર્ષ પુર્ણ થતાં અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. દર વર્ષે બાપની જન્મ જયંતિ નિમિત્તે જલારામ બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ-વિદેશથી વાહનો, સાયકલ યાત્રા તેમજ પગપાળા મારફતે વિરપુર આવી પહોચ્યા હતા, ત્યારે છેલ્લા 12 વર્ષથી સુરતના ગભેણી ગામેથી સાયકલ યાત્રા લઈને આવતું કૃષ્ણ ગ્રૂપ વિરપુર આવી પહોચ્યું હતું. જેમાં 45 જેટલા મિત્રો સાયકલ લઈને 4 દિવસ પહેલા નીકળ્યા હતા. જેઓએ વિરપુર સ્થિત બાપાની સમાધિ તેમજ મંદિરે દર્શન કરી નવું વર્ષ કોરોના મુક્ત બને તથા સમગ્ર વિશ્વનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી હતી.

વિરપુરવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં વિરપુર ગામમાં ઘેર ઘેર આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે. દિવાળી દરમ્યાન તો સમગ્ર દેશમાં લોકો ઘરના આંગણે રંગોળી કરે છે. પરંતુ યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય બાપાની જન્મ જયંતિ નિમિત્તે ઘેર ઘેર રંગોળીઓ કરવામાં આવી છે. રંગોળીમાં અલગ અલગ પૂજ્ય બાપાના જીવનચરિત્ર વિષે વિવિધ ચિત્ર બનાવવામાં આવ્યા છે. પૂજ્ય બાપાનો જીવન મંત્ર હતો કે, "દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ"ના જીવનચરિત્રને સાર્થક કરતી રંગોળીએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

તો બીજી તરફ યાત્રાધામ વિરપુરમાં દર વર્ષે પૂજ્ય બાપાની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે જલારામ ભક્તો દ્વારા પૂજ્ય બાપાની જન્મ જયંતિ નિમિત્તે ઉજવાતા તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં વિરપુરના સેવાભાવિ યુવાનો દ્વારા દર વર્ષે કાઢવામાં આવતી ભવ્ય શોભાયાત્રા રદ્દ કરી અહી આવતા તમામ જલારામ ભક્તોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કર્યું હતું. આ ઉકાળમાં અનેક આયુર્વેદિક ઔષધિઓ હોવાથી તે કોરોના વાયરસ સામે વ્યક્તિની ઇમ્યુનિટી વધારી રક્ષણ આપે છે, ત્યારે આજના શુભ અવસરે કોરોના જેવી મહામારી સમગ્ર વિશ્વમાંથી દૂર થાય તેવી સૌ ભક્તોએ પ્રાર્થના કરી હતી.

Tags:    

Similar News