IPL 2022: હર્ષલ પટેલે કરી અજાયબી, IPL ઇતિહાસમાં આવું કરનાર બીજો બોલર બન્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઈતિહાસ રચ્યો હતો.

Update: 2022-03-31 08:31 GMT

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે તેના નામે એક રેકોર્ડ પણ બની ગયો છે. હર્ષલ પટેલે કોલકાતા સામેની મેચમાં 4 ઓવર નાંખી અને 11 રન આપીને 2 મોટી વિકેટ લીધી. એટલું જ નહીં હર્ષલે મેચમાં બે મેડન ઓવર પણ ફેંકી હતી. આ રીતે તે IPL ઈતિહાસમાં એક મેચમાં બે મેડન ઓવર ફેંકનાર બીજો બોલર બની ગયો છે.

આ પહેલા મોહમ્મદ સિરાજે આ કારનામું કર્યું હતું. તેણે 2020ની સીઝનમાં પણ કોરોના વચ્ચે જ આ સિદ્ધિ મેળવી હતી. તફાવત એટલો છે કે સિરાજે આ રેકોર્ડ UAEના અબુ ધાબીની ધરતી પર બનાવ્યો હતો. સિરાજ અને હર્ષલ વચ્ચે પણ એક સંયોગ હતો. બંનેએ આ રેકોર્ડ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જ બનાવ્યો છે.

બુધવારે કોલકાતા સામે રમાયેલી મેચમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે લાંબા સમય બાદ હર્ષલ પટેલને બોલિંગ આક્રમણ પર ઉતાર્યો હતો. મેચમાં હર્ષલની પ્રથમ ઓવર KKRની ઇનિંગ્સની 12મી ઓવર હતી. જેમાં હર્ષલે કોઈ રન આપ્યા વિના વિકેટ લીધી હતી. સેમ બિલિંગ્સ કેચ આઉટ થયો હતો. આ પછી બીજી ઓવરમાં હર્ષલે મેડન લગાવતા વિકેટ લીધી હતી. જેમાં આન્દ્રે રસેલને શિકાર બનાવવામાં આવ્યો હતો. આ પછી છેલ્લી બે ઓવરમાં 11 રન આપ્યા પરંતુ ત્રીજી વિકેટ ન લઈ શક્યા.

Tags:    

Similar News