સુરત: ઉધનામાં અંબર કોલોનીમાં મોડી રાત્રે મકાનનો સ્લેબ તૂટી પડતાં બે બાળકોનાં દબાઈ જવાથી મોત

Update: 2021-04-23 08:19 GMT

સુરતના ઉધના વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે એક દુર્ઘટના ઘટી હતી, જેમાં એક કોલોનીમાં આવેલા મકાનનો સ્લેબ તૂટી પડતાં બે માસૂમ બાળકો નીચે દબાઈ ગયા હતા અને તેમનું મોત નીપજયું છે.

સુરતના ઉધનામાં અંબર કોલોનીના ગુરુવારે રાત્રીના સમયે નરેશભાઈ ગોલીવાડ પોતાની પત્ની શારદા તથા બે બાળકો સાથે ઘરમાં સૂતા હતા. આ દરમિયાન રાત્રિના પોણાબાર વાગ્યાની આસપાસ તમના મકાનનો સ્લેબ ધરાશાયી થઈને નિદ્રાધીન બાળકો પર પડતાં ૧૨ વર્ષીય પુત્ર નૈતિક અને ૭ વર્ષીય નિધિ ગોલીવાડ નામનાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.

સ્લેબ તૂટી પડતાં અડધો કાટમાળ સૂતેલાં બાળકો પર અને અડધો માતા-પિતા પર પડ્યો હતો. ઘટના બાદ ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, ધડાકા સાથે પડેલા સ્લેબને લઈ પાડોશીઓ ભેગા થઈ તાત્કાલિક દોડી આવ્યા હતા. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં પાડોશીઓએ બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી ખાનગી વાહનમાં સિવિલ લઈ ગયા હતા, જ્યાં બન્નેને મૃત જાહેર કરાયાં હતાં. ઘટનાને લઈને ઉધના પોલીસે હવે આ બાબતે આગળની તપાસ હાથ ધરી છે.

Similar News