તાપી : યુવા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધનો ફિયાસ્કો

Update: 2020-12-14 10:45 GMT

કોવિડ જાહેરનામાના ભંગ બદલ ભાજપ પ્રદેશ અધ્યક્ષના વિરોધમાં તાપી જીલ્લામાં યૂથ કોંગ્રેસ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ જીલ્લામાં તમામ પ્રકારની ગતિવિધિ રાબેતા મુજબની રહેતા કોંગ્રેસના બંધનો ફિયાસ્કો થતો જોવા મળ્યો હતો.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના રાજ્યના પ્રવાસ દરમિયાન કોવિડ નિયમોનો થયેલ ભંગ તેમજ ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં 6 હજારથી વધુની જનમેદની એકઠી થવા મામલે પ્રશાસનની કાર્યવાહીને લઈને યુવા કોંગ્રેસ દ્વારા દક્ષિણ ગુજરાતના તાપી જીલ્લામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. 14 ડિસેમ્બરના રોજ બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેમાં અસફળતા જોવા મળી હતી. જિલ્લાના સોનગઢ, વ્યારા સહિતના શહેરોમાં જનજીવન રાબેતા મુજબ રહ્યું હતું.

જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારે કનેક્ટ ગુજરાત સાથેની ટેલેફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે, જીલ્લામાં બંધની કોઈ અસર નથી અને જીલ્લાના દરેક નગરોમાં રાબેતા મુજબની દુકાનો તેમજ વાહનો અને જનજીવન છે. ભાજપના પૂર્વ મંત્રી કાંતિ ગામિતના જામીન મંજૂરીને લઈને પોલીસ વડાએ કાર્યવાહી યથાવત રહેશે તેમ જણાવ્યુ હતું. આ સાથે જ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સામાન્ય હોવાનું જણાવ્યુ હતું.

Tags:    

Similar News