મુસાફરોને મોટી રાહત : લોકલ, મેમુ, ડેમુ ટ્રેન પરનો કોરોનાકાળનો મેલ એક્સપ્રેસનો 20 રૂપિયાનો ચાર્જ પરત ખેંચવામાં આવ્યો

Update: 2024-03-03 04:26 GMT

રેલવે દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં મુસાફરોને એક મોટી ગિફ્ટ આપી છે. છેલ્લા ઘણા સમયથી જેની માગણી કરવામાં આવી રહી હતી તે લોકલ ટ્રેન ઉપર લગાવવામાં આવી રહેલો મેલ એક્સપ્રેસનો ચાર્જ પરત ખેંચવામાં આવ્યો છે. કોરોના મહામારી પહેલાં લોકલ ટ્રેનમાં મિનિમમ ભાડું ₹10 હતું જ્યારે મેલ એક્સપ્રેસનું મિનિમમ ભાડું ₹30 હતું.કોરોના મહામારી દરમિયાન રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન તરીકે ઝીરો નંબરથી તમામ ટ્રેન ચલાવવામાં આવી હતી. તે સમયે લોકલ ટ્રેનનાં ભાડાં મેલ એક્સપ્રેસ તરીકે વસૂલવામાં આવતાં હતાં. કોરોના મહામારી બાદ પણ આ ભાડું ચાલુ રાખવામાં આવ્યું હતું. તે અંગે અનેક વખત પેસેન્જર એસોસિયેશન દ્વારા માગણી કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકો, નોકરિયાતો તેમજ અંતરિયાળ ગામના ગરીબ વર્ગના લોકોને આ ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં ટિકિટ દીઠ રૂ.20 વધારે ચૂકવવા પડતા હતા.

રેલવે દ્વારા શનિવારે બપોરે આ ચાર્જ પરત ખેંચવામાં આવતા મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. અચાનક થયેલા આ બદલાવને પગલે રેલવે સ્ટેશન પર ટિકિટ કઢાવતી વખતે જ ઓછા પૈસા લેવાતા મુસાફરો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. જોકે બીજી તરફ આ બદલાવ પરિપત્ર કરતાં પહેલાં જ કરવામાં આવ્યો હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું હતું. વડોદરા ડિવિઝનમાં 45 ટ્રેનમાં મુસાફરી કરતા રોજના 50000 મુસાફરોને આ નિર્ણયથી ફાયદો થશે.

Tags:    

Similar News