વડોદરા : ફરતા દવાખાનાએ બે પશુઓના બચાવ્યા જીવ, વાંચો શું છે ઘટના...

Update: 2020-07-20 11:15 GMT

કણભામાં વાહનની ટક્કરથી ઇજાગ્રસ્ત ગાયને રોડ પર જ સારવાર આપી અને કુરાઈમાં પ્રોટીનની ઉણપથી પેટમાં પાણી ભરાઈ ગયું હતું, એવા કૂતરાને સાજો કર્યો.

રાજ્યના પશુપાલન વિભાગે પશુ આરોગ્યની રક્ષા માટે જી.વી.કે. - .એમ.આર. આઇ.ના સહયોગથી 108 જેવી સેવાઓ આપતાં ફરતા પશુ દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે. એક મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી સાથે 10 ગામ જોડવામાં આવ્યા છે જેની નિર્ધારિત સમય પત્રક પ્રમાણે મુલાકાત લઈને આ દવાખાના પશુ આરોગ્ય રક્ષાની સેવા વિનામૂલ્યે આપે છે. અને પશુપાલકો તાકીદના,કટોકટીના સંજોગોમાં 1962 પર કોલ કરી તેમના વિસ્તારના ફરતા પશુ દવાખાનાની આરોગ્ય સેવાઓ તેમના ગંભીર રીતે બીમાર કે ઇજાગ્રસ્ત પશુ માટે મેળવી શકે છે. વડોદરા જિલ્લામાં આ સેવાનો પ્રારંભ 25મી મે થી થયો છે અને તાજેતરમાં જ શિનોર તાલુકાના આનંદી ગામને મુખ્ય મથક બનાવીને આસપાસ ના 10 ગામો માટે ફરતા પશુ આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ,હવે વડોદરા જિલ્લામાં 4 એનિમલ ડિસ્પેન્સરી ની સેવાઓ કુલ 40 ગામોને મળી રહી છે.

જે તે વિસ્તારના પશુ પાલકો અને લોકોમાં ફરતા પશુ દવાખાનાની સેવાઓની જાણકારી વધતી જાય છે તેમ તેમ લોકો પશુ આરોગ્યની રક્ષા માટે અમારો સંપર્ક કરી રહ્યાં છે. એવી જાણકારી આપતાં કરજણ તાલુકાના કણભા ક્ષેત્રના 1962 ફરતા પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી ડો.દીપક શર્માએ જણાવ્યું કે તાજેતરમાં જ એક પશુપાલકે 1962 પર અમારી સેવાઓ માટે સંપર્ક કર્યો. ત્યાં જઈને જોયું તો તેમની ગાયને કોઈ વાહન ટક્કર મારી જતું રહ્યું હતું. એ ગાય જમણા પગનું હાડકું તૂટીને વાંકું થઈ જતાં જાહેર રસ્તા પર જ કણસી રહી હતી.

જાહેર રસ્તા પર, એક્ષરે ની મદદ વગર જ અનુમાનને આધારે એની સારવાર શરૂ કરી.સારવાર વેદના રહિત હોય અને પશુ રીબાય નહિ એ માટે લોકલ એનેસ્થેસિયા આપી ,વાંકા વળી ગયેલા હાડકાને બેસાડવા માટે પ્રોસિજર કરીને જરૂરી પાટાપિંડી કરી.આનંદની વાત છે કે આજે એ ગાયનો પગ સાજો થઈ રહ્યો છે અને એનું નિયમિત ફોલો અપ કરવામાં આવી રહ્યું છે.

 બહુધા આ ફરતા પશુ દવાખાનાનો આશય પશુપાલકોના દુધાળા અને ખેતી ઉપયોગી મોટા જાનવરો ના આરોગ્યની કાળજી લેવાનો છે.તેમ છતાં,તાજેતરમાં કુરાઈ ગામે થી એક કૂતરું ખૂબ જ માંદુ હોવાની અને વેદના થી કણસતું હોવાની ખબર મળતાં,ત્યાં પહોંચી જઈ એને પણ સારવાર આપી.પ્રોટીનની ઉણપ થી આ કૂતરું સુકાઈ ગયું હતું અને એનું પસ જેવું પ્રવાહી ભરાઈ જવાથી ફૂલી ગયું હતું.

તાત્કાલિક આ પ્રવાહી કાઢવાની પ્રક્રિયા કરી.એના પેટમાં થી દોઢ થી બે લિટર જેવું પ્રવાહી કાઢ્યું.પેટ ખાલી થાય ત્યારે કાર્ડિયાક અરેસ્ટ ના આવે એ માટે જરૂરી કાળજી લઈ આ સારવાર આપી. એ પશુ તુરત જ પોતાની મેળે ઊભું થઈ ગયું. જેમણે ફોન કર્યો હતો એ ભાઈને આ કૂતરાને નિયમિત ખોરાક આપવાની ભલામણ કરી.આજે આ કૂતરું તંદુરસ્ત હાલતમાં છે.આ ઘટનાઓ દર્શાવે છે કે જીવદયાને વરેલી રાજ્ય સરકારનો, ફરતાં પશુ દવાખાના શરૂ કરવાનો શુભ હેતુ સાર્થક થઈ રહ્યો છે.

આ દવાખાના માટે એવા વિસ્તારો પસંદ કરવામાં આવ્યાં છે જ્યાં નજીકમાં પશુ સારવારની સેવાઓ ઉપલબ્ધ નથી.આ પ્રત્યેક વાનમાં એક પશુ ચિકિત્સક અને મદદનીશ કમ વાહન ચાલક સારવાર સેવાઓ આપે છે.માનવ ની સાથે પશુ આરોગ્યની જાળવણી કરવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા નો આ ફરતા પશુ દવાખાના પુરાવો આપે છે.

Tags:    

Similar News