અંકલેશ્વર માંથી ક્રિટિકલ ઝોનનું બંધન હટતા ઉદ્યોગોના વિસ્તૃતિકરણ સાથે રોજગારીની તકો વધશે 

Update: 2016-11-26 11:58 GMT

 

એસ્ટેટ પર મોરેટોરિયમ લાગ્યા બાદ વિકાસ રૂંધાયો હતો

અંકલેશ્વર , પાનોલી ઔદ્યોગિક વસાહતોનો ક્રિટિકલ ઝોનમાં સમાવેશ થતા અંદાજિત 1500 જેટલા ઉદ્યોગ એકમોને તેની અસર થઇ હતી. એમ.ઓ.ઈ.એફ દ્વારા આ ક્લસ્ટર પર મોરેટીરીયમ લદાતા પ્રવર્તમાન ઉદ્યોગોનું આધુનિકરણ અને વિસ્તૃતિકરણ છેલ્લા 8 વર્ષથી બંધ થઇ ગયુ હતુ.તેમજ ઉદ્યોગીની ઉત્પાદન ક્ષમતા પણ ઘટવાના કારણે રોજગારી પણ ઘટી હતી.જો કે હવે મોરેટોરિયમ હટી જતા ઉદ્યોગ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે.

અંકલેશ્વર પાનોલી વસાહતમાં હાલમાં 4,00,000 ચો મી જમીન ઉપલબ્ધ છે.ઉપરાંત વર્ષ 2010 પછી ફાળવણી થયેલ ઉદ્યોગો કે જેઓને ઉત્પાદન અથવા ઉદ્યોગો સ્થાપવા માટે પરવાનગી મળી નથી તેવી 5,00,000 ચો.મી જમીન છે.આ કુલ જમીનમાં નવા આશરે 500 એકમોને મંજૂરી મળશે. જેના દ્વારા એક એકમનું અંદાજે રૂ 5 કરોડનું મૂડી રોકાણ મળીને કુલ રૂ 2500 કરોડનું સીધુ મૂડી રોકાણ થાય તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત હયાત ઉદ્યોગો તેમનું વિસ્તરણ 25 % ના દરે કરે તો તે પણ લગભગ રૂ 4000 કરોડ જેટલુ થઇ શકે છે.મોરેટોરિયમ લિફ્ટ થવાના કારણે અંકલેશ્વર અને પાનોલી વસાહતોમાં જ કુલ રૂ 6500 થી 7000 કરોડનું મૂડી રોકાણ આવશે અને જેનાથી સીધી કે આડકતરી રીતે 15000 થી 20000 જેટલા લોકોને રોજગારી મળવાનું શરૂ થઇ શકે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. વધુમાં ઝઘડિયા ઔદ્યોગિક વસાહત ખાતે પણ આશરે રૂ 5000 કરોડનું મૂડી રોકાણ આવવાની સાથે 1500 જેટલી નવી રોજગારીની તકો વધશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ દવેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ગુજરાત રાજ્યભરની જે વસાહતો પર ક્રિટિકલ ઝોનનું બંધન હતુ તે તમામ આ ગ્રહણ માંથી મુક્ત કરવામાં આવે છે જે ઉદ્યોગ પોતાની ઉદ્યોગ ક્ષમતા વધારતા નથી તેમજ પદૂષણ પર કંટ્રોલ રાખે છે તેમને કોઈ પરવાનગી ની જરૂર ન હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ, આ ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા વધારવાની સાથે રોજગારીની તકો વધે તેમજ પ્રદુષણની માત્રા ઘટે તે પ્રત્યે પણ પૂરતુ ધ્યાન રાખવા ઉદ્યોગ મંડળોને અનુરોધ કર્યો હતો.

 

Tags:    

Similar News