ભરૂચ : પુર બાદ નીચાણવાળા વિસ્તારોમાંથી નીકળે છે રોજ 20 ટન કચરો, સફાઇ માટે હજી વધુ પાંચ દિવસ લાગશે

Update: 2020-09-03 08:40 GMT

ભરૂચની નર્મદા નદીમાં પુરના પાણી ઓસરી ગયાં બાદ હવે શહેરી વિસ્તારોમાં પાલિકાએ સફાઇની કામગીરી શરૂ કરી દીધી છે. શહેરના ફુરજા, દાંડીયાબજાર અને ધોળીકુઇ બજાર સહિતના વિસ્તારોમાંથી રોજનો 20 ટનથી વધુ કચરો સાફ કરવામાં આવી રહયો છે.

નર્મદા નદીમાં આવેલા પુરના પાણીએ શહેરના નીચાણવાળા વિસ્તારોને ધમરોળી નાંખ્યાં હતાં. ખાસ કરીને ફુરજા, કતોપોર બજાર,દાંડીયાબજાર, ધોળીકુઇ બજાર સહિતના કાંઠા વિસ્તારો જળબંબાકાર બની ગયાં હતાં. પુરના પાણીની સાથે કાંપ, પ્લાસ્ટિકની કોથળીઓ સહિતનો હજારો ટન કચરો ખેંચાઇ આવ્યો હતો. પુરના પાણી ઓસરી ગયા બાદ હવે નગરપાલિકાએ સફાઇની કામગીરી શરૂ કરી દીધી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી રોજના 20 ટનથી વધારે કચરો સાફ કરાઇ રહયો છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોનીએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 7,9 અને 10માં સૌથી વધારે ગંદકી થઇ છે. તેના માટે નિયમિત સફાઇ ટીમ ઉપરાંત 10 વધારાના માણસોની ફાળવણી કરવામાં આવી છે. કચરાની સફાઇ બાદ પાણીથી રસ્તાઓ ધોવામાં આવશે અને રોગચાળો ફાટી ન નીકળે તે માટે દવાનો છંટકાવ કરવામાં આવશે. સફાઇ કરનારા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટીકની થેલીઓ, કાંપની સાથે બગડી ગયેલું અનાજ પણ મળી રહયું છે. તમામ કચરાને ટ્રેકટરોમાં ભરીને અન્યત્ર નિકાલ કરાય રહયો છે. રોજના 16થી વધારે ટ્રેકટર ભરી કચરો કાઢવામાં આવી રહયો છે.

Tags:    

Similar News