સુરતમાં પહેલા ગાંધી ઘરનું ઉદ્દઘાટન ભીમપોર ખાતે કાકસાહેબ કાલેલકર કર્યું હતુ

Update: 2016-10-02 06:23 GMT

વર્ષ 1956માં કેન્દ્ર સરકારે ગુજરાતભરમાં 100 ગાંધીઘરો ખોલવાની યોજના અમલમાં મુકી હતી. જેમાં સૌથી પહેલુ ગાંધી ઘર સુરતના કાંઠા વિસ્તારના ભીમપોરગામ ખાતે ખોલવામાં આવ્યુ હતુ.

ભીમપોરમાં ગાંધી ઘર ઉભુ કરવા માટે રૂ.25,000 ગાંધી સ્મારક નિધિ તરફથી મંજૂર કરવામાં આવ્યા હતા. છઠ્ઠી એપ્રિલ 1956માં ઢેબરભાઈ દ્વારા ભીમપોરમાં ગાંધીઘરના મકાનનો પાયો નાખવાની શરૂઆત કરવામાં આવી હતી.જ્યારે બીજી ઓક્ટોબર 1956માં કાકાસાહેબ કાલેલકરેના હસ્તે ભીમપોર ગાંધીઘરનું મકાન ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.ગાંધીઘરના ફાળા માટે એક વિજ્ઞપ્તિ પત્ર બહાર પાડી મદદ પણ માંગવામાં આવી હતી.

ગાંધીઘરમાં પુસ્તકાલય, વાંચનાલય, પંચાયત કચેરી, સભાગૃહ, પ્રૌઢ શિક્ષણ, રેંટિયા પ્રવૃતિ, સંસ્કાર પ્રવૃતિ, ગ્રામ અને ખેતી સુધારણાની પ્રવૃતિ, આરોગ્ય કેન્દ્ર, મહિલા ગૃહ, રમતગમત, પ્રાર્થના, ગ્રામ સફાઈ જેવી અનેક પ્રવૃતિઓ વર્ષો સુધી જોરશોરથી ચાલી હતી.

આજે અહીંં લાયબ્રેરી અને આંગણવાડી જ કાર્યરત છે. સંસ્થાનું બંધારણ ઘડવા ભીમપોર પંચાયતે સમિતિ બનાવીને દિલખુશ દીવાનજી, છોટુભાઈ કોન્ટ્રાક્ટર, મોરારભાઈ પટેલ, લાલભાઈ કોન્ટ્રાક્ટર, બાલુભાઈ સ્વામી અને મણીબેન સુખાભાઈની વરણી કરી સંસ્થાનું રજીર્સ્ટડ ટ્રસ્ટ બનાવાયુ હતુ.

સને 1915માં ચોકબજારના સોની ફળિયામાં આર્યસમાજનું મંદિર ખુલ્લુ મુકવા માટે મહાત્મા ગાંધીજી સુરત આવ્યા હતા. તે વખતે બાપુ તેમના સાથીઓને જુદા જુદા ગામોમાં મળવા માટે પણ ગયા હતા. સુરતના શેઠ ધનરાજ પરમારની પાસે ફોર વ્હીલ ગાડી માં બેસીને ગાંધીબાપુ ભીમપોર-ડુમસની મુલાકાતે ગયા હતા.

આજ સમયે ત્યાં પ્લેગ ચાલતો હતો.જેના કારણે ગાંધીબાપુ લંગર સુધી આવીને પરત ચાલી ગયા હતા.ભીમપોરના નાનાભાઈ વાલજીભાઈએ બાપુનું સ્વાગત કર્યુ હતુ.⁠⁠⁠⁠

 

Similar News