-
આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી
-
વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આયોજન કરાયું
-
ગીરની શાન ગણાતા સિંહો માટે જનજાગૃતિ રેલી યોજાય
-
સિંહના મુખોટા પહેરી અનેક વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા
-
સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવો પ્રયાસ : RFO
આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ… ગીરની શાન ગણાતા સિંહો માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માન અને મોભા સાથે દેશભરમાં ઉજવાય છે, ત્યારે સિંહોના સામ્રાજ્ય એવા અમરેલી જિલ્લામાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધારી, ખાંભા, સાવરકુંડલા, રાજુલા સહિતના પંથકમાં શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરીને સિંહો બચાવવા માટે રેલી યોજી હતી. જેમાં વન વિભાગ સહિત પ્રકૃતિ પ્રેમીઓ પણ જોડાયા હતા. ગીરના ગ્રામીણ ગામડાઓ સાથે બૃહદ ગીરના ગામોમાં સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવા સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રસંગે સાવરકુંડલા વનવિભાગના અધિકારીઓ, શિક્ષણ વિભાગ, પોલીસ અને રાજકીય મહાનુભાવોએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આયોજિત જનજાગૃતિ રેલી સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
