આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળનાર હોવાથી પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે.

અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ દ્વારા ડીવાયએસપી સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લેગમાર્ચનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા સાથે અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો કરવાનો રહ્યો હતો.

આ ફ્લેગમાર્ચ શહેરના કુરજા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરી મોટી બજાર, સોની ફળિયું, લાલ બજાર, લલ્લુભાઈ ચકલા અને હાથીખાના બજાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ એ ડિવિઝન પોલીસ મથકે પૂર્ણ થઈ હતી. ફ્લેગમાર્ચ દરમિયાન પોલીસના વાહનો અને જવાનોની ઉપસ્થિતિએ શહેરવાસીઓમાં સુરક્ષાની લાગણી મજબૂત બનાવી હતી. આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.