અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઓનલાઈન મોબાઇલ વેચાણના બહાને એક યુવાન સાથે રૂ.૫૩ હજારની છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની પોલીસે સુરત ખાતેથી અટકાયત કરી હતી.
તાજેતરમાં સુરતના મોટા વરાછા વિસ્તારના રહેવાસી અવિ મુકેશભાઈ કુરજીભાઈ ખેનીએ પોતાનો મોબાઇલ વેચવા ઓનલાઇન એપ પર જાહેરાત મૂકી હતી.દરમિયાન અજાણ્યા શખ્સે વોટ્સએપ નંબર પરથી સંપર્ક કરી પોતાનુ નામ અમિતભાઈ જણાવ્યુ હતુ અને પોતે અંકલેશ્વરમાં રહેતો હોવાનુ કહી વિશ્વાસમાં લીધો હતો.આરોપીએ ફરિયાદીને કાપોદ્રા પાટીયા નજીક એપલ પ્લાઝામાં આવેલ ક્રોમા શોરૂમ ખાતે બોલાવ્યો હતો ત્યાં પોતે સ્ટોરનો કર્મચારી હોવાનુ જણાવી એપ્પલ કંપનીનો આઇફોન મોબાઈલ આપવા તથા ફરિયાદીને આઈફોનનુ ઉંચું મોડેલ ખરીદવવાની વાત કરી સોદો નક્કી કર્યો હતો.
આરોપીએ બિલ બનાવવાનું કહી ફરિયાદી પાસેથી ગૂગલ પે મારફતે રૂ. ૫૩૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. છેતરાયાની જાણ થતા ફરિયાદીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધાવી તપાસ હાથ ધર્યા બાદ છેતરપિંડી કરનાર આરોપી અમિત ઓલપાડવાળાને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
