અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

સુરતના કિમ-બોરસરા ખાતેથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પકડાયેલી એક મહિલા આરોપીની પૂછપરછમાં આ સમગ્ર નેટવર્કનો ખુલાસો થયો હતો. અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી. ચાવડા સહિતનો ડી-સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને પ્રોહિબિશનના એક ગુનામાં મોટી કડી હાથ લાગી હતી.

અગાઉ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટના ગુનામાં એક મહિલા બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે આ મહિલા આરોપીની સઘન પૂછપરછ કરીત્યારે તેણીએ કબૂલાત કરી હતી કે તેણીને વેચાણ માટે વિદેશી દારૂનો જથ્થો સુરતના કિમના બોરસરા ખાતે રહેતો રતનલાલ જગદીશ ગુર્જર આપી ગયો હતો. આ ગુનામાં રતનલાલ ગુર્જર છેલ્લા ચાર મહિનાથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો. જોકેપોલીસે બાતમીના આધારે વોન્ટેડ આરોપી રતનલાલ જગદીશ ગુર્જરને તેના સુરત સ્થિત ઘરેથી જ ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.