અંકલેશ્વર ગાર્ડન સિટીથી એફ.ડી.ડી. કોલેજ રોડ પર ધોળા દિવસે બે બહેનોને કારથી આંતરી એક જ પરિવારના ચાર સભ્યોએ બેટ તથા ચપ્પલ વડે હુમલો અને હાથપાઈ કરી હોવાની ઘટનાના CCTV સામે આવ્યા છે.

અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરતા મુકેશસીંગ સેંગરની બે દીકરીઓ સંસ્કૃતિ અને આકૃતિ 15 જુલાઈના બપોરે એક્ટિવા પર ટ્યુશન જવા નીકળી હતી. દરમિયાન FDDI કોલેજ તરફના રોડ પર એક કાર આવી તેઓને આંતરી લીધા હતા. કારમાંથી ધોરણ 12 માં તેની સાથે જ અભ્યાસ કરતી પલ, તેના પિતા દેવભાઈ, માતા અને દાદી હતા. જેઓએ કેમ મારી દીકરી સાથે ઝઘડો કરે છે તેમ કહી બન્ને બહેનોને અપશબ્દો બોલી હાથાપાઇ શરૂ કરી દીધી હતી. કારમાં રહેલું બેટ પલને આપી બન્ને બહેનો પર બેટ વડે હુમલો કરાવ્યો હતો. તો પલની માતા અને દાદી ચપ્પલથી આકૃતિ અને સંસ્કૃતિને માર મારવા લાગી હતી. દરમિયાન લોકો ભેગા થઈ જતા આ પલનું હિંસક પરિવાર બન્ને બહેનોને ધમકી આપી ત્યાંથી કાર લઈ ભાગી ગયું હતું. બન્ને બહેનોના પિતા સ્થળ પર દોડી આવી દીકરીઓને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જ્યાંથી જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતા અન્ય એક છાત્રના માતા પિતા પણ આ પલના પરિવાર સામે હુમલા અને ધમકીની ફરિયાર આપવા દોડી આવ્યા હતા. સાથે ભણતી બે છાત્રો વચ્ચે ઝઘડામાં પરિવાર દ્વારા હિંસક બની બે બહેનોને માર મારવાના સીસીટીવી અને વીડિયો પણ સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસે કાયદેસરની તપાસ તેજ કરી છે.