કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીઓને ઓકિસજનની સૌથી વધારે જરૂરીયાત પડી રહી છે અને ઓકિસજન માટે દર્દીઓના સ્વજનો ભારે દોડધામ કરી રહયાં છે. કોરોનાના કારણે ગંભીર સ્થિતિમાં રહેલાં દર્દીઓની સુવિધા માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ત્રણ વેન્ટીલેટર ભેટમાં આપવામાં આવ્યાં છે.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર લેવા માટે દર્દીઓને હવે વેન્ટીલેટરની સુવિધા મળી રહેશે. અંકલેશ્વરની પ્રજ્ઞા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, અંકલેશ્વર જીઆઇડીસી સાંસ્કૃતિક મંડળ તેમજ હયુબેક કલર કંપની તરફથી હોસ્પિટલને ત્રણ વેન્ટીલેટર્સ આપવામાં આવ્યાં છે. કોરોનાના કારણે ફેફસા પર અસર થતી હોવાથી દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આવા દર્દીઓને ઓકિસજનના બોટલ અથવા વેન્ટીલેટર્સની જરૂરીયાત પડતી હોય છે.
વેન્ટીલેટર્સ અને ઓકિસજનના બોટલ માટે દર્દીઓના સ્વજનોની દોડધામ હૈયું પીગળાવી દે તેવી હોય છે. ઓકિસજનની બોટલ રીફીલીંગ માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતાં લોકો અને વેન્ટીલેટરવાળો બેડ શોધવા માટે હજારો ફોન કોલ્સ કરતાં સ્વજનોને તમે જોયા જ હશે. આવી વિકટ સ્થિતિમાં લોકોને રાહત મળે તે માટે ત્રણેય સંસ્થાઓએ ભેગા મળી હોસ્પિટલને વેન્ટીલેટર્સ ભેટ આપવાનો નિર્ણય લેવાયો હતો.
વેન્ટીલેટર્સ ભેટ આપતી વેળા પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ના મહેશ પટેલ, જી.આઈ.ડી.સી સાંસ્કૃતિક મંડળના પ્રમુખ વજુભાઇ પટેલ અને જશુભાઈ ચૌધરી તથા હ્યુબેક કલરના દિનેશ રાણા તેમજ હેતલભાઈ બક્રે અને સી.સી.પટેલ તથા હોસ્પિટલના ટ્રસ્ટીઓ હાજર રહયાં હતાં. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પુર્વ પ્રમુખ અને પ્રજ્ઞા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મહેશ પટેલે તેમના જન્મદિવસ નિમિત્તે જયાબેન મોદી હોસ્પિટલને 11 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની પણ જાહેરાત કરી છે.