/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/14145841/maxresdefault-107-78.jpg)
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે રહેતા એક શિક્ષિત યુવકે નોકરી છોડી ખેતી તરફ ડગ માંડ્યા છે. યુવક ખેડૂતે પરંપરાગત ખેતીની સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી ટૂંકા ગાળાની ખેતી અપનાવી પોલી હાઉસ બનાવી થાઈલેન્ડના ઓર્કિડ ફૂલનું વાવતેર કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યો છે. કોરોના મહામારીમાં નુકશાન વેઠનાર યુવકે કેવી રીતે વિદેશી ખેતીને સફળ બનાવી જુઓ આ રિપોર્ટમાં..
સમય સાથે ખેતીના સ્વરૂપ પણ બદલાય રહ્યા છે. નવી ટેક્નોલોજી સાથે ખેડૂતો હવે વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે ખેતી કરતા થયા છે. ઓછી મહેનત અને વધુ નફો કેવી રીતે મેળવી શકાય તેની ચિંતા વચ્ચે ખેડૂતો વિવિધ પ્રકારના પાકો તેમજ ફૂલોની ખેતી કરી પરીવર્તન લાવી રહ્યા છે. આ જ કતારમાં એક નામ અંકલેશ્વર તાલુકાનાં શિક્ષિત યુવકનું જોડાયું છે.
અંકલેશ્વરના તાલુકાનાં સજોદ ગામે રહેતા કિરણ પ્રજાપતિએ એન્જીનીયરની સાથે એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ કિરણ મોટા પગાર પર ખાનગી કંપનીમાં નોકરી પર લાગ્યો હતો. પરંતુ ઉચ્ચ પગારની નોકરી છોડી પરંપરાગત ખેતીના વ્યવસાય તરફ ડગ માંડી કીરણ પ્રજાપતિએ શેરડી, કેળ, કપાસની પરંપરાગત ખેતીની સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી ટૂંકા ગાળાની ખેતી અપનાવી છે. ટૂંકા ગાળાની ખેતીમાં વધુ નફો મળે તે મુજબ ફૂલની ખેતી તરફ વળવાનું નક્કી કરી કૃષિ તજજ્ઞોની સલાહ પ્રમાણે થાઈલેન્ડના ઓર્કિડ ફૂલનું વાવેતર કરવાનું નક્કી કર્યું. ઓર્કિડ ફૂલની માંગ મોટા શહેરોમાં વધુ હોવાથી તેમણે વર્ષ 2018 માં થાઈલેન્ડથી ઓર્કિડ ફૂલના છોડ મંગાવી પોલી હાઉસ બનાવી તેમાં માટી વગર પ્લેટફોર્મ ઉભા કર્યા હતા. તેમાં ગ્રીન નેટ મૂકી માધ્યમ તરીકે નાળિયેરના છોતરા નાખી અને સ્પ્રીંક્લરની મદદથી ઓર્કિડ ફૂલનું વાવેતર કર્યું. નાળિયેરના છોતરા ઓર્કિડ ફૂલના છોડના મૂળને પકડી રાખે છે. જેથી છોડનો વિકાસ થાય છે. યુવા ખેડૂતે વાવેતર કર્યા બાદ પૂરતી કાળજી રખવાનું શરૂ કર્યું હતું. દેખરેખ સાથે દોઢ વર્ષ બાદ આ ફૂલનું ઉત્પાદન શરુ થાય છે.
ગુજરાત સહીત દેશના મોટા શહેરોમાં ઓર્કિડ ફૂલની માંગ હોવાથી મોટા શહેરોમાં તેનું વેચાણ કરવામાં આવે છે. હાલ કોરોના મહામારીના કારણે ધાર્મિક કાર્યક્રમો, લગ્ન પ્રસંગો, મેળાઓ તેમજ ધાર્મિક સ્થાનો અને તહેવારો બંધ હોવાના કારણે ખેડૂતને અંદાજિત 12 લાખ ઉપરાંતનું નુકશાન થયું છે. તેઓએ સરકાર પાસે પોલી હાઉસમાં ખેતી કરતા ખેડૂતોને થયેલ નુકશાન અંગે સહાય બાબતે વિચારણા કરે તેવી લાગણી સેવી છે.