અંકલેશ્વર : પોંકની માંગમાં આ વર્ષે નોંધાયો ઘટાડો, વેપારીઓને આવી નુકશાની વેઠવાની “નોબત”

New Update
અંકલેશ્વર : પોંકની માંગમાં આ વર્ષે નોંધાયો ઘટાડો, વેપારીઓને આવી નુકશાની વેઠવાની “નોબત”

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના અનેક વેપારીઓ પોંકના વેપાર સાથે સંકળાયેલા છે. એક તરફ પોંકની સિઝન શરૂ થતાં બજારમાં પોંકની આવક તો શરૂ થઈ છે, તો બીજી તરફ કોરોના મહામારીના કારણે ગત વર્ષ કરતા આ વર્ષે પોંકની માંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

આપણે જાણીએ છે તેમ પોંક એક ગુજરાતી નાસ્તો છે. જેને જુવારના કાચા કુમળા દાણાને શેકી અને સેવ જેવી અન્ય વસ્તુઓ સાથે ભેળવી ખાવામાં આવે છે. પોંક બનાવવા માટે, લીલા કાચા જુવારને ભુંજવા અથવા શેકવામાં આવે છે. જેને વાની અથવા હરડા પણ કહેવાય છે. પોંક માત્ર શિયાળાના ઠંડા મહિનાઓ દરમ્યાન જ કુદરતી રીતે પ્રાપ્ય હોય છે. જોકે તકનીકી વિકાસને લીધે હવે ઓક્ટોબર માસના અંતથી લઈ માર્ચની શરૂઆત સુધી પણ બજારમાં પોંક ઉપલબ્ધ હોય છે.

ભરૂચ જિલ્લાના બજારો તેમજ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નં. 48 ઉપર પોંકના ઘણા તંબુઓ જોવા મળી રહ્યા છે. જેમાં આંધરી વાની પોંકના ડુડાને ભઠ્ઠીમાં શેકીને વેપારીઓ વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ કોરોના મહામારીના કારણે આ વર્ષે પોંકના અનેક વેપારીઓને વ્યવસાયમાં નુકશાની વેઠવાની નોબત આવી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોંકનો કિલો દીઠ ભાવ 480 રૂપિયા જ રાખવામાં આવ્યો છે. જોકે પોંકની સિઝન શરૂ થતાં જ બજારોમાં પોંકની આવક તો જોવા મળી છે. તો બીજી તરફ ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો થતાં આ વર્ષે પોંકનો વેપાર ઓછો થવાની વેપારીઓ આશા સેવી રહ્યા છે. ઉપરાંત કમોસમી વરસાદના કારણે પોંક માટે બનાવાતી ખાસ વાનીની જુવારને પણ માવઠાથી મોટી અસર થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Latest Stories