અંકલેશ્વર: નગર સેવા સદનના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ, રસ્તાના ખોદકામને લઈ બંન્ને આમને સામને
અંકલેશ્વરમાં બે વર્ષ પહેલાં જ બનાવેલાં રસ્તાને ગટર લાઈન માટે ખોદવાને લઇ નગરપાલિકાના ભાજપના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે વિવાદ વકરતા રાજકીય ક્ષેત્રે ચહલ પહલ જોવા મળી રહી છે
ભરૂચ | સમાચાર
December 19, 2025 · 1 min read
અંકલેશ્વર નગર સેવા સદનમાં વિવાદ
વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે વિવાદ
રસ્તાના ખોદકામ બાબતે વિવાદ વકર્યો
વિપક્ષ દ્વારા પણ પ્રહાર કરવામાં આવ્યા
ભાજપના આગેવાનો વચ્ચે વિવાદથી ખળભળાટ
અંકલેશ્વરમાં બે વર્ષ પહેલાં જ બનાવેલાં રસ્તાને ગટર લાઈન માટે ખોદવાને લઇ નગરપાલિકાના ભાજપના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે વિવાદ વકરતા રાજકીય ક્ષેત્રે ચહલ પહલ જોવા મળી રહી છે
અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ તથા વિપક્ષના નેતા જહાંગીર પઠાણે નગરપાલિકાના વિકાસકાર્યોને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે.આક્ષેપ મુજબ નગરપાલિકાના ઠરાવ તથા બોર્ડની મંજૂરી વિના વિકાસકાર્યોના નામે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. પૂર્વ પ્રમુખ સંદીપ પટેલે જણાવ્યું હતું કે, વિકાસ સંબંધિત જરૂરી માહિતી અને દસ્તાવેજો સમયસર તેમને આપવામાં આવ્યા નહોતા, જેના કારણે શંકા ઉભી થઈ છે.
વિપક્ષના નેતા જહાંગીર પઠાણે આ મુદ્દે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ટર્મ પૂર્ણ થવા પૂર્વે ઉતાવળે કામ પૂર્ણ કરવાના પ્રયાસ પાછળ શાસકોનો શું હેતુ છે તે સ્પષ્ટ થવું જોઈએ.
આ સમગ્ર મામલે નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. અંકલેશ્વરમાં બે વર્ષ પહેલાં જ બનાવેલાં રસ્તાને ગટર લાઈન માટે ખોદવાને લઇ સત્તાધારી ભાજપમાં જૂથવાદ વકરી રહયો છે. પાલિકા પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે ચાલી રહેલાં ગજગ્રાહથી પાલિકાની ચૂંટણી પહેલાં જ ભાજપની છબી ખરડાઈ ચૂકી છે. પૂર્વ પ્રમુખે ગટર લાઈનની કામગીરી મોડેથી શરૂ કરવા માટે પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આ વિવાદ વકરી રહ્યો છે.