• અખાત્રીજના શુભ અવસરની ઉજવણી

  • નવા કૃષિ -વર્ષનો ઉમંગભેર પ્રારંભ

  • ખેડૂતોએ હળ અને બળદની કરી પૂજા

  • ખેતર ખેડીને કૃષિ વર્ષનો કર્યો પ્રારંભ

  • સાત ધાન્યનું વાવેતર કરી કૃષિ વર્ષનો કર્યો પ્રારંભ 

અરવલ્લી જિલ્લામાં અખાત્રીજના શુભ દિને ધરતીપુત્રો દ્વારા નવા કૃષિ -વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો હતો,અને ખેતી પાકોનું આયોજન કર્યું હતું.વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને નિભાવી ખેડૂતોએ હળોતરા કર્યા હતા.

અરવલ્લીમાં ખેડૂત ભાઈઓએ ઉમંગ ઉત્સાહ સાથે પોતાના ખેતી ઓજારોહળ તૈયાર કરી બળદોના શિંગડા રંગી નવા પોશાક પહેરી ખેતરે સાગમટે હળ જોડીને ખેતીનું  મુહૂર્ત કર્યું હતું.દર વર્ષની જેમ આ વર્ષે પણ  આજના શુભ દિને જિલ્લાના ઈસરોલ પંથકના સૌ ભૂમિપુત્રો એક સાથે ટ્રેક્ટર અને  હળ જોડીને ગામ નજીકના એક મોટા ખેતરમાં ખેડ કરી નવા વર્ષનું ખેતીનું મુહૂર્ત કર્યું હતું.

ભલે આધુનિક ઓજાર તરીકે ટ્રેકટર હોય પણ ખેડૂતો આજે પણ હળોતરા તો બળદ થકી જ હળ જોડીને જ કરતા હોય છે.આ પ્રસંગે ખેડૂતોએ બળદોને સજાવીને,લાકડાના હળને અને બળદને કુમકુમ તિલક કરી અને મો મીઠું કરવામાં આવ્યું હતું. તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતો એક સાથે ઘરેથી નીકળી ખેતરે ગયા હતા,જ્યાં બધા જ એક સાથે હળ અને ટ્રેક્ટર ચલાવી ખેતર ખેડી ખેતરમાં સાત ધાન્ય ઘઉં,મકાઈ,બાજરી,મઠ,મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો.