બનાસકાંઠા : ખેડુત આંદોલનના પ્રણેતા રાકેશ તિકૈતએ અંબાજીમાં કર્યો રોડ શો

New Update
બનાસકાંઠા : ખેડુત આંદોલનના પ્રણેતા રાકેશ તિકૈતએ અંબાજીમાં કર્યો રોડ શો

દેશમાં કૃષિ કાયદાઓની વિરૂધ્ધમાં આંદોલન ચલાવી રહેલાં રાકેશ તિકૈત રવિવારના રોજ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યાં છે. સૌ પ્રથમ તેમણે જગત જનની મા જગદંબાના ધામ અંબાજીમાં રોડ શો કર્યો હતો.



કૃષિ કાયદાઓની વિરૂધ્ધમાં આંદોલનનો પ્રારંભ કરી લાઇમલાઇટમાં આવેલાં રાકેશ તીકૈત આબુરોડથી છાપરી ચેકપોસ્ટ થઈને અંબાજી આવી પહોંચ્યાં હતાં. જયાં તેમણે મા અંબાના દર્શન કર્યા બાદ તેમણે અંબાજીમાં રોડ- શો યોજયો હતો. બનાસકાંઠાના ખેડૂતોને સાથે લઈને ગુજરાતમાં આજથી ખેડૂત આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. રાકેશ તીકૈત અંબાજી આવી પહોંચતાં કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. અંબાજીના માર્ગો પર તેમણે રોડ શો કર્યો હતો. અંબાજીથી તેઓ પાલનપુર ખાતે ખેડુતો સાથે સંવાદ કરશે અને ત્યાંથી ઉંઝામાં જશે. ઉંઝામાં તેઓ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો સાથે મુલાકાત કરશે. રાકેશ તિકેતની સાથે રાજયના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જોડાયાં હતાં. દીલ્હીની સરહદ પર છેલ્લા બે મહિના ઉપરાંતથી ખેડુતો આંદોલન કરી રહયાં છે પણ સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવી રહયો નથી. ભાજપ શાસિત રાજયોમાં પણ ખેડુત આંદોલન નિરસ છે ત્યારે રાકેશ તિકેતનો બે દીવસનો ગુજરાત પ્રવાસ આંદોલનમાં પ્રાણ પુરે છે કે નહિ તે જોવું રહયું..

Latest Stories