ભરૂચ : હવે શહેરમાં મુસાફરી બની ગઈ સરળ, 8 રૂટ ઉપર સિટી બસ સેવાનો પ્રારંભ

New Update
ભરૂચ : હવે શહેરમાં મુસાફરી બની ગઈ સરળ, 8 રૂટ ઉપર સિટી બસ સેવાનો પ્રારંભ

ભરૂચ શહેરની જનતાને હવે સિટી બસ સેવાનો લાભ મળવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી બસ પરિવહન યોજનાના ભાગરૂપે ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભરૂચ સિટી બસ સેવાનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે ભરૂચ સીટી બસ સેવાનો ઇ-લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં ગાંધીનગરથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભરૂચ સીટી બસ સેવાનું ઇ-લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભરૂચની વિકાસ ગાથાને યાદ કરી હતી.

ભરૂચ શહેરના વિવિધ રૂટ ઉપર 12 જેટલી સિટી બસ દોડવા જઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં શહેરની જનતાને સસ્તી, સારી અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે. આ બસ સેવાથી શહેરની ટ્રાફિક, પાર્કિંગ અને પ્રદૂષણની સમસ્યા હળવી થશે તેમ જણાવી રાજ્યના મુખ્યમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસની પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

વિશ્વ પર્યાવરણ દિને ભરૂચમાં સિટી બસ પરિવહન સેવા શરૂ થઈ છે, ત્યારે ઇ-લોકાર્પણ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડીયા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, નગરપાલિકાના ચીફ ઓફિસ સંજય સોની, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનોએ સીટી બસ સેવાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું. ભરૂચમાં સિટી બસ સેવાનો પ્રારંભ થયો છે, ત્યારે આ સેવા અવિરતપણે ચાલતી રહે તે આવશ્યક છે. જેથી વધુમાં વધુ શહેરીજનોને સિટી બસનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.

Latest Stories