/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/29164232/maxresdefault-144.jpg)
ઝઘડીયાના અછાલીયા ગામમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો છે. મકાનમાંથી 25 લાખ રૂપિયાની ચોરી થતાં મકાનમાલિકને હદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમનું મોત થઇ ગયું હતું. દવાના વેપાર સાથે સંકળાયેલો પરિવાર ગામમાં નવચંડી યજ્ઞ કરાવવા માટે આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
મુળ અછાલિયાના વતની અને હાલ સુરત ખાતે રહેતા પ્રકાશચંદ્ર જશવંતસિંહ રાવનો પરિવાર દર વર્ષે વૈશાખ વદ આઠમના દિવસે પોતાના વતન અછાલિયા ખાતે આવે છે. આ દિવસે તેઓ નવચંડી યજ્ઞ કરાવે છે. નવચંડી યજ્ઞનો પ્રસંગ હોવાથી તેઓ પોતાની સાથે 3 લાખ રૂપિયા રોકડા અને મહિલાઓ તેમની સાથે સોના-ચાંદીના ઘરેણા લાવ્યાં હતાં. આ કિમંતી ઘરેણા અને રોકડ રકમ મકાનની બેગમાં મુકી તેઓ સુઇ ગયાં હતાં.
દરમિયાન રાત્રે ત્રણેક વાગ્યે દક્ષાબેન બાથરૂમ જવા ઉઠ્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ જણાયો હતો. તેથી તેમણે પ્રકાશભાઇને જગાડીને આ ઘટનાની જાણ કરી હતી. તેમણે તથા ફળિયાના અન્ય રહીશોએ પાછળની બાજુએથી ઘરમાં જઇને જોતા સામાન વેરવિખેર દેખાયો હતો. બેગમાં રાખેલા રોકડા રૂ.ત્રણ લાખ અને સોના-ચાંદીના દાગીનાઓની ચોરી થયાનું જણાયુ હતુ. મકાન માલિક પ્રકાશચંદ્ર જશવંતસિંહ રાવને ચોરી થયાની જાણ થતાં તેઓને હાર્ટ એટેક આવ્યો હતો અને રાતના પોણા ચારેક વાગ્યાના અરસામાં તેમનું મોત નીપજ્યુ હતુ.
ઘટનાની જાણ થતાં તેમના પુત્રો સુરતથી અછાલિયા દોડી આવ્યા હતાં. ઘટના બાદ પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ચોરીની ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની પ્રબળ આશંકા વચ્ચે ઉમલ્લા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.