ભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, ત્યારે આ બ્રિજને રંગબેરંગી LED લાઇટથી સજાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ બ્રિજના અંકલેશ્વર છેડે સુંદર રોપાઓ અને ડિવાઇડરની મોટી સ્ટ્રીટ લાઇટથી માર્ગ પણ ઝળહળી ઉઠ્યો છે, ત્યારે આ બ્રિજને ખુલ્લો મુકાતાની સાથે જ ભરૂચ શહેર તથા અન્ય જિલ્લામાંથી આવતા લોકો આ બ્રિજની સુંદરતા નિહાળવા માટે એક ક્ષણ બ્રિજ પર ચોક્કસથી પોતાનું વાહન થોભાવે જ છે. જોકે, હરવા ફરવા નીકળતા લોકો બ્રિજની સાદગીને ખરડી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા આ એક ખૂબ જ શરમજનક વાત સાબિત થઈ છે. અહી આવતા લોકો મોબાઈલમાં તસવીર અને સેલફી લઈ નાસ્તા ખાય રહ્યા છે. જોકે,

લોકો અહી આવી નાસ્તાના પેકેટ, માસ્ક અને પ્લાસ્ટિકની થેલી સહિતનો કચરો બ્રિજ પરના ફૂટપાથ એરિયામાં એ જ સ્થળે ગમે ત્યાં ફેંકી દે છે. આ બ્રિજનું નિર્માણ ભરૂચ જીલ્લા માટે ખૂબ જ ગર્વ લેવાની બાબત છે. તો આ બ્રિજની સુંદરતાની જાળવણી પણ ભરૂચની પ્રજાના હાથમાં જ છે. શહેરના એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરતી એક પોસ્ટ મૂકી છે. જેમાં નર્મદા મૈયા બ્રિજ પર ગંદકી અને કચરો જોવા મળી રહ્યો છે. જેથી હવે ભરૂચની જનતાએ આ સુંદર બ્રિજની સુંદરતા જાળવવા માટે જવાબદારી લેવી જોઇએ. તો સાથે જ નર્મદા મૈયા બ્રિજની સુંદરતા અકબંધ રહે તેવા તમામ લોકોએ પ્રયાસ કરવા જોઈએ.