ભરૂચ : રાજસ્થાનમાં ભાજપ- કોંગ્રેસ એક થતાં બીટીપી નારાજ, ગઠબંધનનો અંત લાવવાની બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત

New Update
ભરૂચ : રાજસ્થાનમાં ભાજપ- કોંગ્રેસ એક થતાં બીટીપી નારાજ, ગઠબંધનનો અંત લાવવાની બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત

રાજયમાં જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને મહાનગરપાલિકામાં ચુંટાયેલી પાંખની ટર્મ પુર્ણ થતાંની સાથે રાજકીય સમીકરણો બદલાય રહયાં છે. ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીએ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે....

ગત વિધાનસભાની ચુંટણી દરમિયાન કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધન થયું હતું જેના ભાગરૂપે કોંગ્રેસે ઝઘડીયા અને દેડીયાપાડામાં પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો અને તેની સામે બીટીપીએ નાંદોદ બેઠક કોંગ્રેસ માટે ખાલી કરી આપી હતી. વિધાનસભા બાદ ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં પણ બીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન થયું હતું. હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચુંટાયેલી પાંખની પાંચ વર્ષની ટર્મ પુરી થઇ ચુકી છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ કયારે યોજાશે તેની જાહેરાત નથી કરવામાં આવી પણ તે પહેલા ભરૂચ અને નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ શાસિત રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે ભેગા મળી બીટીપીને સત્તાથી દુર રાખતાં બીટીપીના આગેવાનો નારાજ થયાં છે. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસ સાથે ગઠબંધનનો અંત લાવવાની જાહેરાત કરી છે……

બીજી તરફ આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા નાઝુ ફડવાલાનો ટેલીફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, બીટીપી અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે કોઇ બેઠક થઇ નથી. બીટીપી તરફથી સોશિયલ મીડીયામાં પોસ્ટ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કોંગ્રેસની પ્રદેશ સમિતિ તરફથી બીટીપીના નેતાઓ સાથે સંકલન કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે....

Latest Stories